જે ભગવાન ચેરિટેબલ ટ્રસ્ટ આયોજીત હેલ્થ બિયોન્ડ મેડીસીન વિષય ઉપર ડો.બી.એમ.હેગડેના વકતવ્યમાં પોલીસ કમિશનર ગેહલોત, કલેકટર વિક્રાંત પાંડે અને મેડિકલ ક્ષેત્રના નિષ્ણાંતોની પ્રેરક ઉપસ્થિતિ
પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ ખાતે હેલ્થ બિયોન્ડ મેડીસીન વિષય ઉપર ડો.બી.એમ.હેગડેનું વકતવ્ય યોજાયું હતું. આ કાર્યક્રમમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, કલેકટર વિક્રાંત પાંડે, રાજકોટ નાગરિક બેન્કના મેનેજર નિલેશભાઈ શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે રાજકોટના મેડિકલ ક્ષેત્રના નિષ્ણાંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં ડો.હેગડેએ લોકોની માનસિકતા, દવા તેમજ ડોકટરો વિષય ઉપર વકતવ્ય આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે દેશને ડિગ્રીવાળા ડોકટર નહીં પરંતુ સારા અને સમજુ ડોકટરોની જ‚ર છે. ડોકટર એવો હોવો જોઈએ કે જે દર્દીને સમજે તથા તેની શારીરિક અને માનસિક સ્થિતિને જાણીને દવાઓ આપે અને યોગ્ય સલાહ પણ આપે. દરેક નાની બિમારી કે દર્દમાં દવા લેવાની જ‚ર નથી હોતી કેમ કે સારા સ્વાસ્થ્ય માટે વધુ દવા લેવી પણ નુકસાનકારક નિવડે છે. વારંવાર દવા લેવાથી શારીરિક તથા માનસિક સ્વાસ્થ્યને હાની થાય છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જે ભગવાન ટ્રસ્ટ દ્વારા આ જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રકારનો ત્રીજો કાર્યક્રમ છે જે અંતર્ગત હું રાજકોટ ત્રીજી વખત આવ્યો છું. અત્યારના માનવીઓને એવુ લાગે છે કે કોઈપણ રોગનો પ્રતિકાર દવાઓ વિના શકય જ નથી પરંતુ તેઓ ભુલી ગયા છે કે જયારે આધુનિક દવાઓ ન હતી ત્યારે પણ લોકો રોગો પ્રત્યે પ્રતિકાર દાખવતા હતા અને ત્યારે માનવી સરેરાશ લાંબુ જીવન ગાળતા હતા તો એવુ નથી કે દવાથી જ પ્રતિકાર શકય છે. હું એવું માનું છું કે દેશને સારા ડોકટરોની જ‚ર છે. વધુ ડોકટરોની નહી. ડોકટર સૌપ્રથમ તો સમજુ હોવો જોઈએ એવું હું માનું છું ત્યારબાદ તેઓએ તેમને મળેલા પદ્મભુષણ એવોર્ડ વિશે જણાવ્યું હતું કે, મને જયારે આ એવોર્ડ મળ્યો ત્યારે હું પણ આશ્ર્ચર્યચકિત થયો હતો. કેમ કે એ સમયે મારી પાસે કોઈની ભલામણ ન હતી અને મને એવુ લાગતુ હતું કે ભલામણ વિના કશુ જ થતુ નથી અંતે એવોર્ડ મળવાથી હું ખુશ થયો હતો. અંતમાં તેઓએ સંદેશો આપ્યો હતો કે એકબીજાને મદદ કરતા રહો જેથી તમારામાં પરોપકારની ભાવના પ્રગટે.