અબતક, નવી દિલ્હી
દેશ આગે બઢ રહા હે…. કોરોનાની વૈશ્વિક મહામારીની નકારાત્મક અસરોને હવે પાછળ છોડી દેશ આગળ વધી રહ્યો છે. હવે ફરી ભારતીય અર્થતંત્રની ગાડી પુરપાટ ઝડપે આગળ વધી રહી છે. જુલાઈ માસથી બજાર ટનાટન રહેશે તેવો આશાવાદ આર્થિક નિષ્ણાતો અને બજાર વિશ્લેષકોએ વ્યક્ત કર્યો હતો જે મુજબ જ આર્થિક ગતિવિધિઓ ફરી તેજ બની છે. જે કારણસર ગત જુલાઇ માસમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ- જીએસટીની આવકે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ગત માસ દરમિયાન જીએસટી કલેક્શન અધધ… રૂપિયા 1.16 લાખ કરોડને પાર થયું છે.
પૂરપાટ ઝડપે દોડતી અર્થતંત્રની ગાડી: ગત જુલાઈ માસની સરખામણીએ આ વર્ષે 33% વધુ જીએસટીની આવક
ગત જુલાઈ માસમાં મોદી સરકારની તિજોરીમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) થકી 1,16,393 કરોડ રૂપિયા ઉમેરાયા છે. ગયા વર્ષના જુલાઇ મહિના સાથે સરખામણી કરવામાં આવે તો GST સંગ્રહમાં 33%નો વધારો થયો છે. આ વર્ષે જુલાઈમાં સ્ટેટ જીએસટી તરીકે 28,541 કરોડ રૂપિયા, સેન્ટ્રલ જીએસટી માટે 22,197 કરોડ રૂપિયા અને આઈજીએસટી માટે 57,864 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે. જો આપણે જુલાઈમાં રાજ્યો પાસેથી મળેલા જીએસટીના હિસ્સાની વાત કરીએ તો મહારાષ્ટ્ર આ મામલે દેશમાં ટોપ પર છે. મહારાષ્ટ્રએ જુલાઈમાં કેન્દ્ર સરકારને 18,900 કરોડ રૂપિયાનું જીએસટી ચુકવણું કર્યુ છે. ગુજરાતનો હિસ્સો 7630 કરોડની નજીક રહ્યો છે.
આર્થિક તરલતાથી બજાર ટનાટન રહેતા આગામી સમયમાં હજુ પણ ૠજઝ આવક રેકોર્ડ બ્રેક સપાટી વટાવે તેવી સંભાવના
ઉલ્લેખનીય છે કે, સતત આઠ મહિનાથી જીએસટીની આવક એક લાખ કરોડને પાર થઈ છે પરંતુ જૂન મહિનામાં તે એક લાખ કરોડથી નીચે સરકી ગયું હતું. જૂન 2021માં જીએસટી કલેક્શન 92,849 કરોડ હતું. જેમાં CGSTથી 16,424 કરોડ રૂપિયા, SGST માંથી 20,397 કરોડ રૂપિયા અને IGST માંથી 49,079 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે.