મોદીએ વન નેશન, વન ઈલેક્શન અંગે વિચારણાને જરૂરી હોવાની વાત ઉપર ભાર મુકયો
બંધારણ દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઓલ ઈન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સની કોન્ફરન્સને સંબોધિત કરી છે. ગુજરાતમાં કેવડિયામાં યોજાઈ રહેલી આ ઈવેન્ટમાં મોદી વિડિયો- કોન્ફરન્સ દ્વારા જોડાયા. આજે મુંબઈમાં થયેલા ૨૬/૧૧ના અટેકને ૧૨ વર્ષ પૂરાં થયાં છે. મોદીએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે મુંબઈ હુમલાના ઘા ભારત ભૂલી નહીં શકે. નવું ભારત નવી રીતિ-નીતિ સાથે આતંકવાદનો મુકાબલો કરી રહ્યું છે. આતંકને જડબાતોડ જવાબ આપનારાં આપણાં સુરક્ષાદળોને પણ વંદન કરું છું. વડાપ્રધાને વન નેશન-વન ઈલેક્શનની જરિયાત અંગે પણ ભાર આપ્યો હતો.મોદીએ વન નેશન, વન ઈલેક્શન અંગે વિચારણાને જરી ગણાવતાં કહ્યું હતું કે પીઠાસીન અધિકારી આ વિશે ગાઈડ કરી શકે છે. પૂરી રીતે ડિજિટલાઇઝેશનનો સમય આવી ગયો છે. પીઠાસીન અધિકારી એનો વિચાર કરશે તો ધારાસભ્યોને સરળતા રહેશે. હવે આપણે પેપરલેસ પદ્ધતિઓ પર ભાર આપવો જોઈએ. બંધારણ સભા આ વાત અંગે એકમત હતી કે ભારતમાં ઘણી વાતો પરંપરાથી સ્થાપિત થશે. વિધાનસભામાં ચર્ચાથી વધુમાં વધુ લોકો કેવી રીતે જોડાયા તેના માટે પ્રયાસ થવા જોઈએ. જે વિષયની ગૃહમાં ચર્ચા થાય, એનાથી સંબંધિત લોકોને બોલાવવામાં આવે. મારી પાસે તો સૂચન છે, પણ તમારી પાસે અનુભવ છે.