રોજનો ૧૪૩૫૫૮ મેટ્રીક  ટન કચરો ઠલવાઇ રહ્યો છે

દેશમાં સુખાકારી અને સમૃધ્ધી વધવાની સાથે સાથે કચરાનું પ્રમાણ પણ ભયંકર સ્તરે પહોંચી ગયું છે.ખાસ કરીને મહાનગરો-નગરોમાં કચરાની ઉત્પતિ ખૂબ ઝડપી અને મોટા પ્રમાણમાં થઈ રહી છે.એક આંકડા મુજબ શહેરોમાં દરરોજ ૧.૪૩ લાખ મેટ્રીક ટન કચરો ઉત્પન્ન થાય છે.અધુરામાં પૂરું આ તોતીંગ પ્રમાણમાંથી માત્ર ૩૫૬૦૦ મેટ્રીક ટન કચરાને જ પ્રોસેસ કરવામાં આવે છે.

કેન્દ્ર સરકારે દેશને સ્વચ્છ બનાવવા વિવિધ યોજનાઓ અને અભિયાન તો શરૂ કર્યા છે પરંતુ કચરાને પ્રોસેસીંગ કરવામાં ઘણા અંશે નિષ્ફળ રહી છે. શહેરી બાબતોને લગતા મંત્રાલયના રાજય મુજબના આંકડા મુજબ તામિલનાડુ, આંધપ્રદેશ, હરીયાણા, પ.બંગાળ, ઓરીસ્સા, બિહાર અને ઝારખંડ જેવા રાજયો પોતાના કચરાને ૧૦ ટકા પણ પ્રોસેસ કરતા નથી.પરિણામે પ્રદૂષણનું પ્રમાણ વધે છે. અરૂણાચલ પ્રદેશ તેમજ દાદરાનગર હવેલી તો કચરાની જરાક પણ પ્રોસેસ કરતા નથી.જયારે છતીસગઢ ૭૪ ટકા સાથે કચરાની પ્રોસેસમાં અગ્રતાના સ્થાને છે. ત્યારબાદ તેલંગણા (૬૭ ટકા), સીક્કીમ (૬૬ ટકા) અને ગોવા (૬૨ ટકા) કચરાની પ્રોસેસ કરે છે.

વેબસાઈટના આંકડા મુજબ ભારતમાં હાલ ૮૪૦૦૦ મ્યુનિસિપલ વોર્ડ છે. જેમાંથી ૬૧૮૪૬ વોર્ડમાં જ ૧૦૦ ટકા ડોર ટુ ડોર કચરાનું કલેકશન થાય છે.જો કે, કચરાના ડિસ્ફોજલની સુવિધાનું પ્રમાણ ઓછુ છે.મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૨૨૫૭૦ મેટ્રીક ટન કચરો પેદા થાય છે.જયારે તામિલનાડુમાં ૧૫૪૩૭ મેટ્રીક ટન, ઉત્તરપ્રદેશમાં ૧૫૨૮૮ મેટ્રીક ટન અને ગુજરાતમાં ૧૦૧૪૫ મેટ્રીક ટન કચરો ઉત્પન્ન થાય છે. કચરો એકઠો કરી મહાનગરપાલિકા સહિતના તંત્ર જયાં પણ તેને ફેંકે છે તે જમીન અને ત્યાનું પાણી પણ ખૂબજ પ્રદૂષિત થતું હોય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.