જિલ્લા કક્ષાના સુશાસન કાર્યક્રમમાં 750 જેટલા લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓનો લાભ અપાયો
કેન્દ્ર – રાજ્ય સરકારની આઠ વર્ષની ઉપલબ્ધીઓ અન્વયે ગરીબ કલ્યાણ – સેવા – સુશાસન અંતર્ગત રાજકોટ જિલ્લાનો કાર્યક્રમ પશુપાલન અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજકોટના અટલ બિહારી વાજપેયી ઑડિટોરિયમ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે સરકારની વિવિધ યોજનાઓના લાભો 750 જેટલા લાભાર્થીઓને અપાયા હતા.
પશુપાલન અને કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે સેવા , સુશાસન અને ગરીબ કલ્યાણના હેતુથી કામ કરતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારની નીતિ – રીતિઓનું વિશ્લેષણ કરતાં ઉમેર્યું હતું , કે નરેન્દ્રભાઈ દ્વારા પારદર્શક અને દીર્ઘદ્રષ્ટિથી સફળતાપૂર્વક શાસન ચલાવવામાં આવી રહ્યું છે.
મંત્રી રાઘવજીભાઇ પટેલે વધુમાં જણાવ્યું હતું કે કોરોનાની મહામારીમાંથી દેશને અને રાજયોને બચાવવા સરકારે રસીકરણ , લોકડાઉન , અનાજ વિતરણ , ઓક્સીજનના બાટલા , ટેન્ક , દવાઓ સહિતની સેવાઓ ઉપલબ્ધ કરાવી અને વિશાળ જન સંખ્યાવાળા દેશને આયોજનપૂર્વક મહામારીમાંથી બચાવ્યો છે . વડાપ્રધાન નરેન્દ્રભાઇના સક્ષમ નેતૃત્વમાં દેશે અનેક પ્રગતિના આયામો હાંસલ કર્યા . ખેતી , પાણી ( સૌની યોજના ) , વીજળી , આરોગ્ય સહિતના અનેક ક્ષેત્રે કેન્દ્ર અને રાજ્ય સરકારે વિકાસના નવા શિખરો સર કર્યા છે .
સાંસદ મોહનભાઈ કુંડારિયાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે ખેલ મહાકુંભ , ગરીબ કલ્યાણ મેળા , આરોગ્ય મેળા વગેરે જેવા અભિયાનો થકી સરકાર દ્વારા લોકોને સુખાકારી આપવાના અવિરત પ્રયાસો થઈ રહ્યા છે
પ્રાસંગીક ઉદબોધનમાં ધારાસભ્યશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ કહ્યું હતું કે સરકારની વિવિધ યોજનાઓના લાભો છેવાડાના જરૂરિયાતમંદ માનવીઓ સુધી પહોંચે અને તેઓ આત્મનિર્ભર બને તે માટેનું કામ સરકારશ્રી દ્વારા સતત થઈ રહ્યું છે .
ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે કહ્યું હતું કે ગરીબ લોકો પગભર થઈ શકે , કામ કરી શકે તે માટે સરકાર ગરીબ મેળામાં સાધનોની સહાય આપી રહી છે.
આ તકે ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ કહ્યું હતું કે , પ્રધાનમંત્રીના નેતૃત્વમાં આપણો દેશ સતત વિકાસના શિખરો સર કરી રહ્યો છે. કલેકટર અરુણ મહેશ બાબુએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી .
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદર , ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા , પ્રાદેશિક નગરપાલિકા નિયામક ધિમંત વ્યાસ , નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર , પૂર્વમંત્રી જેન્તીભાઇ કવાડીયા , પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માંકડીયા , માર્કેટ યાર્ડના ચેરમેન જયેશ બોઘરા , જિલ્લ ભા.જ.પ.પ્રમુખ મનસુખભાઈ ખાચરિયા , મનસુખભાઇ રામાણી , રક્ષાબહેન બોળીયા સહિતના અગ્રણીઓ , અધિકારીઓ , લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા .