પ્રથમ તબકકાના મતદાન પૂર્વ મંગળવારે સાંજે પ્રચારના ભુંગળા શાંત: મતદારો મન કળવા દેના ત હોય રાજકીય પક્ષો અને ઉમેદવારોના ધબકારા વધી રહ્યાં છે
ગુજરાત વિધાનસભાની ચુંટણીના પ્રથમ તબકકાના મતદાનના આડે હવે પાંચ દિવસનો સમય ગાળો બાકી રહ્યો છે. મતદાન પૂર્ણ થવાના 48 કલાક પૂર્વ પ્રચાર- પ્રસારના ભૂંગળા શાંત કરી દેવા પડે છે. મંગળવારે સાંજે પ કલાકે પ્રચાર – પ્રસારનો સંકેલો થઇ જશે. પ્રચાર પૂર્ણ થવાની ઉંધી ગણતરી શરુ જવા પામી છે. જો કે હજી અન્ડર કરન્ટ પકડાતો નથી. મતદારો હજી મત કળવા દેતા નથી. જેના કારણે રાજકીય પક્ષો તથા ચુંટણી લડતા ઉમેદવારોના હ્રદયના ધબકારા સાથે વધી રહ્યાં છે.
સામાન્ય રીતે ચુંટણીના પ્રચાર દરમિયાન રાજકીય પક્ષો અને ચુંટણી લડતા ઉમેદવારો પણ મુંઝવણમાં મુકાય ગયા છે. ગુજરાત વિધાનસભાની ચુંટણીના પ્રથમ તબકકામાં આગામી 1 ડિસેમ્બરના રોજ 89 બેઠકો માટે મતદાન થવાનું છે. મતદાનના આડે હવે માત્ર પાંચ દિવસ બાકી છે. જયારે પ્રચાર – પ્રસાર માટે ઉમેદવારો અને રાજકીય પક્ષો માટે રોકડા 96 કલાકનો સમય હાથમાં બન્યો છે. જો કે આમ તો આ વખતે પહેલેથી જ ઉમેદવારો માટે રાત થોડી અને વેશ ઝાઝા જેવો માહોલ હતો. કેન્દ્રીય ચુંટણી પંચ દ્વારા ગત 3 નવેમ્બરના રોજ ગુજરાત વિધાનસ સભાની ચુંટણીની તારીખોનું એલાન કરી દેવામાં આવ્યું હતું. બે દિવસ બાદ અર્થાત પાંચમી નવેમ્બરના રોજ પ્રથમ તબકકાના મતદાન માટે જાહેરનામું પણ પ્રસિઘ્ધ કરી દેવામાં આવ્યું હતું. ઉમેદવારોને પ્રચાર માટે એક પખવાડીયાનો જ સમય મળ્યો હતો.
આ વખતે મતદારો ખુબ જ મકકમ છે કયાં પક્ષ તરફી વાતાવરણ છે તે કળવા દેતા નથી. લોક સંપર્ક, ઉમેદવારોની પદ યાત્રા, ગ્રુપ મીટીંગ, સમાજ સાથેની બેઠક ચુંટણી સભાઓ કે રોડ-શોમાં ધારી મેદની એકત્રીત થતી નથી. માત્ર કાર્યકરોની જ હાજરી જોવા મળે છે. ચુંટણી કાર્યાલયો ખાતે લોકોને જમાવડો જામતો હોય છે. અહીં મફતમાં ચા-પાણી, નાસ્તો અને ભોજનની વ્યવસ્થા રાખવામાં આવતી હોવાના કારણે તેના આકર્ષણમાં લોકો કાર્યાલય ખાતે આવતા હોય છે.
જો કે આ વખતે મોટાભાગના ઉમેદવારોના મઘ્યસ્થ ચુંટણી કાર્યાલય ખાતે પણ કાગડા ઉડી રહ્યા છે. ચુંટણી પ્રચારમાં નીકળતા તમામ પક્ષના અને અપક્ષ ઉમેદવારોને મતદારો એક સમાન માન-પાન આપી રહ્યા છે. જેના કારણે ટ્રેડ પકડાતો નથી. ગુજરાતની મોટાભાગની બેઠક પર અન્ડર કરન્ટ ચાલી રહ્યો છે. મતદારો પુનરાવર્તનના મૂડમાં છે કે પરિવર્તન ઇચ્છી રહ્યા છે તે કળવું અને કહેવું મુશ્કેલ બન્યું છે. હવે પ્રચાર માટે માત્ર 96 કલાક જ હાથમાં હોવા છતાં કોના તરફી માહોલ છે તેની ખબર પડતી નથી. સભા – રેલી કે પ્રચારમાં બરાબર કરન્ટ જામતો નથી બીજી તરફ અન્ડર કરન્ટ પકડાતો નથી. જે રાજકીય પક્ષો અને ચુંટણી લડતા ઉમેદવારોની ચિંતામાં સતત વધારો કરી રહ્યાં છે. ભાજપ, કોંગ્રેસ અને આપે પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારી દીધા છે છતાં મતદારો મન કળવા દેતા નથી. પ્રચારના અંતિમ દિવસોમાં મતદારોને પોતાની તફર આકર્ષવા માટે એકી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.