ઘટાદાર અને ધરોહર સમાન અમૂલ્ય વૃક્ષોનું ખરૂ મૂલ્ય આંકવા સુપ્રીમે કમિટીનું કર્યુ ગઠન
બંગાળમાં ફાટકમુક્ત હાઇવે બનાવવા કુલ ૩૫૬ વૃક્ષોના નિકંદનના નિર્ણયને પડકારતી અરજી મામલે સુપ્રીમમાં સુનાવણી
બુધવારે સુપ્રીમ કોર્ટ એક મહત્વનો ચુકાદો આપતા કહ્યું છે કે, ૧૦૦ વર્ષ પૂર્ણ કરતા પહેલા જો કોઈ વૃક્ષનું નિકંદન કરવામાં આવે તો તે વૃક્ષની કિંમત રૂ. ૭૨ લાખ ગણી શકાય છે. સુપ્રીમે નોંધ્યું હતું કે, વૃક્ષો માનવજીવન માટે અતીમહ્ત્વપૂર્ણ ભાગ છે. પ્રાણવાયુ સમાન ઓક્સિજન વિના માનવજીવન શક્ય જ નથી.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેની અધ્યક્ષતાવાળી ખંડપીઠે બુધવારે વૃક્ષોનું મૂલ્ય નક્કી કરવા એક કમિટીનું ગઠન કર્યું છે. પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા કુલ ૩૫૬ વૃક્ષોના નિકંદન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેને પડકારતી અરજી સુપ્રીમમાં દાખલ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, નેશનલ હાઇવે ૧૧૨ ખાતે પાંચ ઓવરબ્રિજ બનાવી ફાટક મુક્ત હાઇવે બનાવવા માટે વિઘ્ન સમાન કુલ ૩૫૬ વૃક્ષોના નિકંદનનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો જેને સુપ્રીમમાં પડકારવામાં આવ્યો છે. રૂ. ૫૦૦ કરોડના ખર્ચે ૫૯ કીમી લાંબા હાઇવે પર આ પ્રોજેકટ વિકસાવવામાં આવનાર છે. સુપ્રીમે વૃક્ષોની સાચી કિંમત ગણવા કમિટીનું ગઠન કર્યું છે જેમાં સોહમ પંડ્યા, બી. કે. માજી, નિરંજીતા મિત્રા, એન. કે. મુખર્જી અને સુનીતા નરીનનો સમાવેશ કરવામાં આવ્યો છે. બંગાળમાં અમલી બની રહેલ પ્રોજેકટ કેન્દ્રની સેતું ભારતમાલા પ્રોજેકટનો ભાગ છે. સેતુ ભારતમાલા પ્રોજેકટ હેઠળ દેશના ૧૯ રાજ્યોમાં રેલવે ફાટક મુક્ત હાઇવે બનાવવા ૨૦૮ ઓવરબ્રિજ-અંડરબ્રિજ રૂ. ૨૦,૮૦૦ કરોડના ખર્ચે બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે. જે અંતર્ગત પશ્ચિમ બંગાળમાં ૨૨ અંડર-ઓવર બ્રિજ બનાવવા માટે રૂ. ૨૨૯૪ કરોડની ફાળવણી કરવામાં આવી છે. પ્રોજેકટ હેઠળ કુલ ૩૫૬ વિઘ્નરૂપ વૃક્ષોના નિકંદન માટે આદેશ આપવામાં આવ્યો હતો જેમાંથી ૫૦ જેટલા વૃક્ષોનું નિકંદન કરી દેવામાં આવ્યું છે તેવું કમિટીએ નોંધ્યું છે પરંતુ હજુ ૩૦૬ વૃક્ષોનું નિકંદન બાકી છે. જે વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું છે જે એક ધરોહર સમાન છે જેની કિંમત રૂ. ૨૨૦ કરોડ જેટલી ગણી શકાય છે. કમિટીએ નોંધ્યું છે કે, બંગાળથી મ્યાનમાર અને બાંગ્લાદેશ તરફ દોરી જનાર હાઇવેને વધુ પહોળો બનાવવા કુલ ૪૦૩૬ વૃક્ષોના નિકંદન કરવાની જરૂરિયાત છે. જેમાં અનેક ઘટાદાર અને ધરોહર સમાન વૃક્ષોનો સમાવેશ થાય છે. આ વૃક્ષોની કિંમત આશરે રૂ. ૩ હજાર કરોડ જેટલી થાય છે પરંતુ જો પર્યાવરણની દ્રષ્ટિએ આ વૃક્ષોની કિંમત ગણવામાં આવે તો આ વૃક્ષોની કિંમત રૂ. ૩૦ હજાર કરોડથી પણ વધુ છે.
હાલ આ મામલે સુપ્રીમ કોર્ટ ખૂબ ગંભીરતા વર્તી રહી છે. વૃક્ષોના નિકંદન અંગે નોટ લેવા પણ સુપ્રીમે ટકોર કરી છે અને આ મામલે આશરે બે સપ્તાહ બાદ સુનાવણી હાથ ધરવામાં આવનાર છે.