શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, વશરામ સાગઠિયા અને મહેશ રાજપૂતે જ્યાં સુધી લેખિતમાં જવાબ ન મળે ત્યાં સુધી કલેકટર કચેરીમાંથી હટવાની ના પાડી દેતા પોલીસે ત્રણેયની અટકાયત કરી

કોંગ્રેસ દ્વારા આજે શ્રમિકોની ટ્રેનનો ખર્ચ આપવા મુદ્દે જિલ્લા કલેકટર કચેરીમાં ધડબડાટી બોલાવવામાં આવી હતી. જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, વશરામ સાગઠિયા અને મહેશ રાજપુતે એવા આક્ષેપ કર્યા હતા કે અમે અત્યારે ચેક લઈને આવ્યા છીએ પરંતુ કલેકટર તંત્ર ટ્રેનનો ખર્ચ અમારી પાસેથી લેવા તૈયાર નથી. આ મામલે તેઓએ લેખિતમાં જવાબ આપવાની માંગ કરી હતી અને અધિક કલેકટર કચેરીની ચેમ્બરમાં ધામાં નાખ્યા હતા. બાદમાં તેઓ ન હટતા પોલીસે તેમની અટકાયત કરી હતી.

હાલ લોકડાઉનમાં સરકાર દ્વારા શ્રમિકોને પોતાના વતન જવાની છૂટ આપવામાં આવી છે. જેના માટે ટ્રેનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તાજેતરમાં કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ વિનામૂલ્યે શ્રમિકોને ટ્રેન મારફત વતન પહોંચાડવાની જાહેરાત કરી હતી. જે સંદર્ભે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા એડવાન્સ ભાડું ચુકવવાની તૈયારી સાથે શ્રમિકોના નામ, સરનામાં, મોબાઈલ નંબર અને આધારકાર્ડ નંબર સહિતની યાદી જિલ્લા કલેકટરને ગત તા.૭ના રોજ આપી હતી. ત્યારબાદ કોંગ્રેસ પક્ષે ફરીથી તા. ૯ અને ૧૪ના રોજ મંજૂરી માટે રજુઆત કરી હતી.

IMG 20200518 WA0023

જિલ્લા કલેકટર દ્વારા મંજૂરી આપવામાં ન આવતા તેમજ કોંગ્રેસ તરફથી ચુકવવામાં આવનાર ભાડું સ્વીકારવામાં ન આવતા શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, વશરામ સાગઠિયા અને મહેશ રાજપૂત જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. તેઓએ અધિક કલેકટરની ચેમ્બરમાં ધામા નાખીને કોરો ચેક આપ્યો હતો અને ટ્રેનનો ખર્ચ ચુકવવાની માંગ કરી હતી. આ વેળાએ અધિક ક્લેકટર પાસેથી તેઓએ આ મામલે લેખિત જવાબ માંગ્યો હતો. ત્યારબાદ કોંગી અગ્રણીઓ તેમની માંગ સાથે અડગ રહેતા અને ચેમ્બરમાંથી હટવાનો નનૈયો ભણી દેતા અંતે પોલીસે તેમની અટકાયત કરી હતી.

આ મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે તંત્ર ઉપર પ્રહાર કર્યા હતા કે કલેકટર અને પોલીસ કમિશનર ભાજપના કાર્યકર તરીકે વર્તી રહ્યા છે. કોઈ પણ જાતની આફત આવે ત્યારે કલેકટર, પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનરે શાસક પક્ષ અને વિરોધ પક્ષને સાથે રાખીને કાર્ય કરવાનું હોય છે. આ મામલે યોગ્ય થાય તેવી માંગ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.