૨૦૩૦ સુધીના પાણીના આયોજનની સમીક્ષા કરાઈ શહેરના ૨૦૦૦ ઘરોમાં નળ કનેકશન ન હોવાનું ખુલ્યું

કેન્દ્ર અને રાજ્ય સરકારની ‘નલ સે જલ’ યોજના અંતર્ગત આગામી ૨ માસમાં જ શહેરના તમામ ઘરોમાં અને નવા ભળેલા વિસ્તારોમાં નળ વાંટે ઘર-ઘર પીવાનું પાણી પહોંચાડવાનો લક્ષ્યાંક કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવ્યો છે. ૨૦૩૦ સુધી પાણીનું આયોજન કરવા માટે તાજેતરમાં સમીક્ષા કરાઈ હતી. જેમાં ‘નલ જે જલ’ યોજનાને અસરકારક રીતે લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજકોટની વસ્તી અને વિસ્તાર સતત વધી રહ્યો છે. આવામાં તમામ લોકોને પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવું કોર્પોરેશન માટે સૌથી મોટો પડકાર છે. તાજેતરમાં મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલના અધ્યક્ષ સ્થાને એક બેઠક મળી હતી. જેમાં ૨૦૩૦ સુધી રાજકોટ શહેરમાં પાણીના આયોજન માટે સમીક્ષા કરવામાં આવી હતી. અલગ અલગ જોનમાં જે રીતે પાણી વિતરણ થાય છે તેને વધુ સુદ્રઢ બનાવવાનો નિર્ણય લેવાયો છે. પાણીનો બગાડ ઘટે તે માટે પણ કામગીરી કરવામાં આવશે.

શહેરના વસ્તી અને વિસ્તારને ધ્યાનમાં લેતા આગામી દિવસોમાં આજી અને ન્યારી ડેમ ખાતે ૧૫૦-૧૫૦ એમએલડી ક્ષમતાના બે ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવશે. ‘નલ સે જલ’ યોજના અંતર્ગત હાલ ભુતિયા નળ જોડાણ નિયમીત કરવાનું ચાલી રહ્યું છે. તાજેતરમાં કરાયેલા એક સર્વેમાં એવું જાણવા મળ્યું કે, શહેરમાં ૨૦૦૦ જેટલા મકાનમાં નળ જોડાણ જ નથી. આ તમામ ઘરોને બે મહિનામાં નળ જોડાણ આપવાનો લક્ષ્યાંક નિયત કરવામાં આવ્યો છે. કોઠારીયા અને વાવડીમાં ડિસેમ્બર સુધીમાં ઘરે-ઘરે નળ વાંટે પીવાનું પાણી પહોંચી જાય તે દિશામાં કાર્યવાહી ચાલી રહી છે. આજીડેમથી પાઈપ લાઈન નાખી કોઠારીયાના અલગ અલગ વિસ્તારોને પાણી આપવામાં આવશે જ્યારે વાવડી માટે વોટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ઉપલબ્ધ છે. ટૂંકમાં કોર્પોરેશનનું મુખ્ય લક્ષ્યાંક લોકોને ‘નલ જે જલ’ યોજના અંતર્ગત પીવાનું પાણી મળી રહે તે છે. ૨૦૩૦ સુધી પાણીના આયોજનની સમીક્ષા માટે અલગ અલગ નિર્ણયો લેવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.