સેવ ગર્લ ચાઈલ્ડ અન્વયે સેકસ રેશિયો ૯૫૦ સુધી લઈ જવાના લક્ષ્યાંક માટે હાથ ધરાયું ચેકિંગ: એક પણ સ્થળે કશું ગેરકાયદે ન પકડાયું
સેવ ગર્લ ચાઈલ્ડ અન્વયે સેકસ રેસીયો ૯૫૦ સુધી લઈ જવાના લક્ષ્યાંક સાથે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ ૧૯૯૪ અન્વયે ૧૪ ગાયનેકોલોજીસ્ટને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જોકે એકપણ સ્થળે ગર્ભનું ગેરકાયદેસર પરીક્ષણ કરવામાં આવતું ન હોવાનું માલુમ પડયું હતું. આગામી દિવસોમાં પણ ચેકિંગ ચાલુ રાખવામાં આવશે.
આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીના આદેશ બાદ આરોગ્ય શાખા દ્વારા પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. ૧૯૯૪ હેઠળ રજીસ્ટર્ડ થયેલા ૧૪ તબીબોને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જયાં ગેરકાયદેસર ગર્ભનું પરીક્ષણ કરવામાં આવતા હોવાનું પકડાયું ન હતું. આગામી દિવસોમાં પણ ચેકિંગ ચાલુ રાખવામાં આવશે. તેઓએ ઉમેર્યું હતું કે, એકટ અંતર્ગત ઓછામાં ઓછા બે વર્ષ સુધી ગાયનેકોલોજીસ્ટને રજીસ્ટર્ડ સાચવી રાખવું પડે છે. ગર્ભનું જાતી પરીક્ષણ કરનાર કે પ્રોત્સાહિત કરનારને એકટ અંતર્ગત ૫૦ હજાર સુધીનો દંડ અને ૫ વર્ષની સજા પણ થઈ શકે છે. પ્રથમવાર ગુનો સાબિત થયે પાંચ વર્ષ માટે મેડિકલ લાયસન્સ રદ કરી શકાય છે અને બીજીવાર ગુનો સાબિત થાય તો મેડિકલ લાયસન્સ કાયમ માટે રદ કરી શકાય તેવી પણ જોગવાઈ છે.