કોંગ્રેસના ખાડા બુરો અભિયાન બાદ કોર્પોરેશન સફાળુ જાગ્યું !
મુખ્ય રાજમાર્ગોને પ્રથમ પ્રાયોરીટી: સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં રાત્રે પણ પેચવર્કના કામો કરાયા
ખખડધજ બની ગયેલા કે.એસ.ડીઝલથી આજીડેમ રોડનું કામ નેશનલ હાઈ-વે ઓથોરીટીએ શરૂ ર્ક્યું
શહેરમાં પડેલા અનરાધાર વરસાદના કારણે રાજમાર્ગોની હાલત ગાડા માર્ગથી પણ બદતર બની જવા પામી છે. વરસાદે વિરામ લેતા જ રાજમાર્ગો રીપેરીંગ કરી દેવામાં આવ્યા છે. તેવા કોર્પોરેશનના દાવાને પડકાર આપતા કોર્પોરેશને શહેરભરમાં ખાડા બુરો અભિયાન શરૂ કરતા તંત્ર સફાળુ જાગ્યું છે. જરૂર પડે તો મેન પાવર વધારી મેટલીંગનું કામ 24 કલાક ચાલુ રાખવા સંબંધીત એજન્સીઓને મ્યુનિ.કમિશનર અમિત અરોરા દ્વારા કડક સુચના આપી દેવામાં આવી છે. ગઈકાલે રાત્રે શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં મેટલીંગ અને પેચવર્કનું કામ રાત્રે પણ ચાલુ રાખવામાં આવ્યું હતું.
આ અંગે પત્રકારો સાથે વાતચીત દરમિયાન મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, ભારે વરસાદના કારણે શહેરમાં રાજમાર્ગોને કરોડો રૂપિયાની નુકશાન થવા પામી છે. વરસાદમાં ધોવાઈ ગયેલા રોડ રીપેરીંગનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. ત્રણેય ઝોનના સિટી એન્જીનીયર અને એજન્સીઓને સુચના આપવામાં આવી છે કે, જરૂર પડે તો માણસો વધારીને પણ 24 કલાક મેટલીંગના કામો ચાલુ રાખવા મુખ્ય રાજમાર્ગો પર પડેલા ખાડાઓ બુરવા પહેલી પ્રાયોરીટી આપવી.
ત્યારબાદ શેરી-ગલીઓના ખાડા બુરી દેવા. કે.એસ.ડીઝલથી આજીડેમ સુધીનો રોડ નેશનલ હાઈવે ઓથોરીટીમાં આવે છે જ્યાં નેશનલ હાઈવે ઓથોરીટી રોડ રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેઓએ વધુમાં ઉમેયું હતું કે, આગામી 1લી ઓકટોબરથી ડામર કામ શરૂ કરી દેવામાં આવશે. શહેરમાં 903 રોડ ગેરંટીવાળા છે. જે 2500 ચો.મી. જેટલા તૂટ્યા છે
જેનું કામ એજન્સી પાસે અને એજન્સીના ખર્ચે કરાવવામાં આવશે. હાલ શહેરભરમાં ખાડા બુરવા માટે મેટલીંગ અને પેચવર્ક સહિતની કામગીરી પુરા જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં વરસાદે વિરામ લેતાની સાથે જ રાજમાર્ગો પર પડેલા ખાડા બુરી દેવામાં આવ્યા હોવાના કોર્પોરેશનના દાવા સામે કોંગ્રેસે પડકાર ફેંક્યો હતો અને મેયર તથા કમિશનરને ફિલ્ડમાં આવવા જણાવ્યું હતું. કોંગ્રેસના ખાડા બુરો અભિયાન તંત્ર હરકતમાં આવી ગયું છે અને રાત દિવસ કામ ચાલુ રાખવા કડક સુચના આપવામાં આવી છે.