અબતક, રાજકોટ
ચોમાસાની સીઝનમાં સતત વાદળછાયા વાતાવરણને કારણે શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉંચક્યું છે. રોગચાળાને નાથવા માટે મહાપાલિકા દ્વારા લેવાઈ રહેલા તમામ પગલાઓને જાણે મચ્છરો પડકાર ફેંકી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે. હવે 201 બાંધકામ સાઈટ પર મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા માટે કોર્પોરેશન દ્વારા સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. કાલ સવારથી આ ઝુંબેશ શરૂ કરી દેવામાં આવશે. જેમાં મચ્છરોનો ઉપદ્રવ જણાશે તો બિલ્ડરોને નોટિસ ફટકારવામાં આવશે અને જરૂર જણાશે તો વધુ આકરી કાર્યવાહી કરાશે.
ટીપી શાખાને સાથે રાખી મેલેરીયા વિભાગને સઘન કાર્યવાહી કરવા મ્યુનિ.કમિશનરનો આદેશ
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે સવારે ડીએમસી દ્વારા ટીપી શાખાના એટીપી અને મેલેરીયા વિભાગના અધિકારીઓ સાથે એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં હાલ શહેરમાં કેટલી બાંધકામ સાઈટ ચાલુ છે તેની વિગતો એકત્રીત કરી આવતીકાલ સવારથી તમામ સ્થળે ચેકિંગ શરૂ કરવા તાકીદ કરવામાં આવી છે.
જો બાંધકામના સ્થળ પર મચ્છરોનો ઉપદ્રવ જણાશે તો બિલ્ડરોને નોટિસ ફટકારવામાં આવશે અને છતાં જો મચ્છરની ઉત્પતિ અટકાવવા માટે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો વધુ આકરા પગલા લેવામાં આવશેે. બાંધકામ સાઈટ પર સિક્યુરીટી ગાર્ડ અને મજૂરો સતત હોય છે. આવામાં જો ત્યાં મચ્છરોની ઉત્પતિ રહે તો તે લોકો ડેન્ગ્યુ મેલેરીયા કે ચીકનગુનિયા જેવા રોગના સકંજામાં સપડાઈ જાય છે. જે અટકાવવા માટે આવતીકાલથી બાંધકામ સાઈટ પર ચેકિંગ હાથ ધરવામાં આવશે.