લોકડાઉનમાં છેલ્લા બે માસથી જન્મ-મરણનાં દાખલા આપવાનું બંધ હોય ૫૦ હજારથી વધુનો ભરાવો
કોરોના વાયરસનાં સંક્રમણને અટકાવવા માટે દેશભરમાં છેલ્લા બે માસથી રાષ્ટ્રીય લોકડાઉન ચાલી રહ્યું છે જેના કારણે ધંધા-રોજગાર તો બંધ છે જ સાથો સાથ અનેક સરકારી કામગીરી પર પણ બ્રેક લાગી જવા પામી છે. છેલ્લા બે માસથી મહાપાલિકા દ્વારા જન્મ-મરણનાં દાખલા ઓફલાઈન આપવાનું બંધ હોવાનાં કારણે ૫૦ હજારથી વધુનો ભરાવો થઈ ગયો છે. તમામ સિવિક સેન્ટર અને વોર્ડ ઓફિસ ખાતેથી જન્મ-મરણનાં દાખલા આપવાની કામગીરી શરૂ કરવા અંગે આરોગ્ય સમિતિનાં ચેરમેન દ્વારા કરાયેલી રજુઆતને ધ્યાનમાં રાખી ટુંક સમયમાં જન્મ-મરણનાં દાખલા આપવાની કામગીરી શરૂ કરાશે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ સામાન્ય દિવસોમાં મહાપાલિકા દ્વારા દૈનિક સરેરાશ ૧૦૦૦ થી ૧૨૦૦ની સંખ્યામાં જન્મ અને મરણનાં દાખલા કાઢી આપવામાં આવતા હોય છે. ગત ૨૫મી માર્ચથી લાગુ લોકડાઉનનાં કારણે છેલ્લા બે માસથી ઓફલાઈન જન્મ-મરણનાં દાખલા આપવાની કામગીરી સંપૂર્ણપણે બંધ છે માત્ર ઓનલાઈન જ સર્ટીફીકેટ આપવામાં આવી રહ્યા છે જેના કારણે ૫૦ હજારથી વધુ દાખલાઓનો ભરાવો થઈ ગયો હોય નાગરિકોને પણ દાખલાની આવશ્યકતા ઉભી થઈ હોવાનું જાણવા મળતા તાજેતરમાં આરોગ્ય સમિતિનાં ચેરમેન દ્વારા મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલને એવા મતલબની રજુઆત કરવામાં આવી હતી કે, લોકડાઉન-૪માં વ્યાપક પ્રમાણમાં છુટછાટ આપવામાં
આવી રહી છે તો હવે તમામ સિવિક સેન્ટર અને વોર્ડ ઓફિસ ખાતેથી જન્મ-મરણનાં દાખલા ઓફલાઈન આપવાની કામગીરી પણ શરૂ કરી દેવી જોઈએ જેને કમિશનર દ્વારા સકારાત્મક પ્રતિભાવ આપવામાં આવ્યો છે. ટુંક સમયમાં હવે વોર્ડ ઓફિસ અને સિવિક સેન્ટર ખાતેથી જન્મ-મરણનાં દાખલા આપવામાં આવશે.