રૈયા ટીપી સ્કીમ નં.૩૩ સ્માર્ટ સિટી એરીયાને લાગુ વિસ્તારમાં, જયારે ટીપી સ્કીમ નં.૨૫ (વાવડી) ટીપી સ્કીમ નં.૧૫ને
લાગુ વાવડી ગામની પશ્ચિમ વિસ્તારમાં બનશે: બે નવી ટીપી સ્કીમ બનાવવા ઈરાદો જાહેર કરવા જનરલ બોર્ડમાં દરખાસ્ત
રાજકોટ શહેરનો વિકાસ ચોતરફ થઈ રહ્યો છે. નવા પાંચ ગામો આગામી દિવસોમાં રાજકોટ મહાપાલિકામાં ભળવા જઈ રહ્યા છે ત્યારે શહેરનાં રૈયા અને વાવડી વિસ્તારમાં નવી બે ટીપી સ્કીમો બનાવવા માટેનો ઈરાદો જાહેર કરવા જનરલ બોર્ડમાં દરખાસ્ત રજુ કરવામાં આવી છે. આગામી ૧૬મી જુનનાં રોજ મળનારી જનરલ બોર્ડની બેઠકમાં આ ઉપરાંત અલગ-અલગ ૧૫ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.
આ અંગે વધુ માહિતી આપતા ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાએ જણાવ્યું હતું કે, હાલ મહાપાલિકા દ્વારા કુલ ૪૧ ટીપી સ્કીમ તૈયાર કરવામાં આવી છે જે પૈકી ૧૦ ડ્રાફટ ટીપી સ્કીમ રાજય સરકારનાં ટીપીઓ લેવલે પેન્ડીંગ છે. જયારે ૨૩ ટીપી સ્કીમો ફાઈનલ થઈ ગઈ છે જયારે ૮ ટીપી સ્કીમ પ્રિલીમીનરી તબકકામાં છે. વધુ બે નવી ટીપી સ્કીમ બનાવવા માટે ઈરાદો જાહેર કરવા જનરલ બોર્ડ સમક્ષ દરખાસ્ત રજુ કરવામાં આવી છે. જેમાં ટીપી સ્કીમ નં.૨૫ (વાવડી) જે ટીપી સ્કીમ નં.૧૫ (વાવડી)ને લાગુ ગામની જમીનની જમણી બાજુ એટલે કે પશ્ચિમ વિસ્તાર તરફ બનાવવામાં આવશે. જયારે ટીપી સ્કીમ નં.૩૩ (રૈયા) જે સ્માર્ટ સિટી એરીયાને લાગુ વિસ્તારમાં બનાવવામાં આવશે. આ ઉપરાંત જનરલ બોર્ડમાં અન્ય ટીપી સ્કીમોનાં અનામત પ્લોટમાં હેતુફેર કરવાની પણ બે દરખાસ્તો રજુ કરવામાં આવી છે જેમાં ટીપી સ્કીમ નં.૩ (નાનામવા)નાં શોપીંગ સેન્ટર હેતુનાં અનામત પ્લોટનાં ફાઈનલ નં.૧૦૧ને હેતુફેર કરી સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રકચર માટેની દરખાસ્ત રજુ કરવામાં આવી છે. આ શોપિંગ સેન્ટર હેતુ માટેનાં પ્લોટ પર ન્યારી ઝોન ઈએસઆર-જીએસઆર બનાવવામાં આવશે જે હેતુફેર કરી વેરીટ માટે સરકારને મોકલવામાં આવશે. જયારે ટીપી સ્કીમ નં.૧ (રૈયા)નાં અંતિમ ખંડ નંબર ૧૨૭૬નાં ગાર્ડન હેતુ માટેનાં પ્લોટને રહેણાંક હેતુ માટે હેતુફેર કરવા અને સુચિત મુસદારૂપ ટીપી સ્કીમ નં.૧ (રૈયા)માં બીજો ફેરફાર કરવા માટેનો ઈરાદો જાહેર કરવાની દરખાસ્ત છે. આ ટીપી સ્કીમ રૂડા દ્વારા ૧૯૮૯માં બનાવવામાં આવી હતી જે ૧૯૯૨માં ફાઈનલ થઈ હતી. ૧૯૯૮માં રૂડા વિસ્તાર કોર્પોરેશનમાં ભળ્યો હતો. અહીં ગાર્ડન હેતુનાં પ્લોટ પર આશરે ૧૨૧ જેટલા મકાનો ઉભા છે જે નિયમિત કરવા માટેની રજુઆત આવ્યા બાદ દોઢ વર્ષ પહેલા હેતુફેર કરવાની દરખાસ્ત કરી પરામર્શ અર્થે રાજય સરકારને મોકલવામાં આવી હતી. સરકારે વેરીડની મંજુરી આપતા ફરી બોર્ડમાં દરખાસ્ત મુકવામાં આવી છે. આગામી ૧૬મી જુનનાં રોજ મહાપાલિકામાં મળનારી જનરલ બોર્ડની બેઠકમાં અલગ-અલગ ૧૫ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવનાર છે તેમાં ટીપી સ્કીમની જ અલગ-અલગ ૪ દરખાસ્તોનો સમાવેશ કરવામાં આવ્યો છે.