ધમેન્દ્ર રોડ, સોરઠીયાવાડી સર્કલ, સંતકબીર રોડ, પંચાયત ચોક, સદર બજાર, નાનામવા સર્કલ અને રેસકોર્સ રીંગ રોડ પર ઉભા કરાશે હંગામી ફાયર સ્ટેશનો: સ્ટાફની રજાઓ પણ રદ

દિવાળીનાં તહેવારમાં આગ લાગવાની ઘટના વધુ બનતી હોય છે આવામાં કોઈ જાનહાની ન સર્જાય તે માટે આગોતરા પગલા લેવામાં આવ્યા છે. કોર્પોરેશનની ફાયર બ્રિગેડ એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ શાખા દ્વારા શહેરનાં અલગ-અલગ વિસ્તારોમાં ૭ હંગામી ફાયર સ્ટેશનો ઉભા કરવામાં આવ્યા છે જે કાળી ચૌદશથી બેસતા વર્ષ સુધી કાર્યરત રહેશે. તમામ ૧૬૦ કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આગામી શનિવારથી લઈ સોમવાર સુધી શહેરનાં ધર્મેન્દ્ર રોડ, ગુંદાવાડી-સોરઠીયાવાડી સર્કલ, સંતકબીર રોડ, પંચાયત ચોક, સદર બજાર, નાનામવા ચોકડી, રેસકોર્સ રીંગ રોડ ખાતે ૭ હંગામી ફાયર સ્ટેશન બનાવવામાં આવ્યા છે જયાંથી કર્મચારીઓ સાધન સામગ્રી સાથે આગ લાગવાનાં ઘટનાસ્થળે યુદ્ધના ધોરણે પહોંચી જાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત શહેરમાં કનકરોડ પર, મોરબી રોડ પર, કોઠારીયા રોડ પર, મવડી રોડ પર, બેડીપરા, રામાપીર ચોકડી, રેલનગર અને નિર્મલા કોન્વેન્ટ રોડ પર આવેલા કાયમી ફાયર બ્રિગેડ સ્ટેશન રાઉન્ડ ધ કલોક સતત ધમધમતા રહેશે. જો આગ લાગવા સહિતની કોઈ અનિચ્છનીય ઘટના બને તો ઈમરજન્સી નં.૧૦૧, ૧૦૨ કે ૨૨૨૭૨૨૨ ફોન કરવા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે. ફાયર બ્રિગેડ શાખાનાં ૧૬૦ કર્મચારીઓની રજા તકેદારીનાં ભાગરૂપે રદ કરી દેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.