વરસાદી પાણી ભરાયેલું હોય કે રાજમાર્ગો પર ખાડા પડેલા દેખાય તો અધિકારીઓને ફરિયાદી બનવા મ્યુનિ. કમિશનરનો આદેશ
શહેરમાં વરસી ગયેલા ભારે વરસાદને પગલે જાહેર માર્ગો પર પડેલા ખાડાઓને કારણે નાગરિકોને થતી મુશ્કેલીનાં ત્વરિત નિવારણ માટે મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ એક નવો પ્રશંસનીય અભિગમ અપનાવેલ છે. “રાજકોટ આઈ-વે પ્રોજેક્ટ” હેઠળ શહેરભરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાનાં માધ્યમથી હવે રસ્તા પરના ખાડાઓ કે વરસાદી પાણી ભરાયેલ સ્થળો પણ શોધવામાં આવશે. સંબંધિત અધિકારીઓ દ્વારા જે તે પ્રશ્ર્નનો ઉકેલ લાવવા ત્વરિત કાર્યવાહી કરવામાં આવશે.
આ અંગે વાત કરતા મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ એમ જણાવ્યું હતું કે, તાજેતરમાં શહેરમાં પડેલ ભારે વરસાદનાં કારણે શહેરનાં જુદા જુદા માર્ગો પર પાણી ભરવાની તથા રસ્તાઓ ધોવાઈ જતાં ખાડા પડવા જેવી સમસ્યાઓ ઉપસ્થિત થવા પામેલ છે. લોકોને પડતી આ મુશ્કેલી દૂર કરવા “રાજકોટ આઈ-વે પ્રોજેક્ટ” આઇસીસીસીમાં 24 ડ 7 સી.સી.ટીવીનું મોનીટરીંગ કરતા અધિકારીઓને તેઓના મોનીટરીંગ દરમ્યાન કોઈપણ માર્ગ પર વરસાદી પાણી ભરાયેલ જોવા મળે અથવા તો તેને કારણે ખાડા જોવા મળે તો તેનો ફોટો પાડી તેઓએ પોતે જ ફરિયાદી બની ફરિયાદ નોંધાવવા આદેશ આપવામાં આવેલ છે. સીસીટીવી કેમેરાનાં ઉપયોગ થકી નોંધવામાં આવનાર આ ફરિયાદો મહાનગરપાલિકાની એપમાં મુકવામાં આવશે અને સંબંધિત અધિકારીઓને સતસવીર વિગતો જોવા મળશે, સાથોસાથ એક મેસેજ પણ તેમને મોકલવામાં આવશે.
આ પ્રકારની ફરિયાદ નોંધાતા જ લગત વોર્ડના જવાબદાર અધિકારી/કર્મચારીઓને આ ફરિયાદ સીધી તેઓને તેમના મોબાઈલ પર ૠશિયદફક્ષભય છયમયિતતફહ જુતયિંળ મોબાઈલ એપ જોવા મળશે. ફરિયાદનો નિકાલ થયે જવાબદાર અધિકારી/કર્મચારીઓએ મોબાઈલ એપમાં નિકાલ એન્ટ્રી કરવાની રહેશે તેમજ ઉપરોક્ત તમામ વિગતો સિટી એંજીનીયર/નાયબ મ્યુનિ. કમિશ્નર તેમજ મ્યુનિ કમિશ્નરને પણ તેઓનાં મોબાઈલમાં મળી રહે તેવી સુંદર વ્યવસ્થા કમિશ્નર દ્વારા ગોઠવવામાં આવેલ છે.
તાજેતરમાં પડેલ વરસાદ અનુસંધાને રાજકોટ શહેરમાં આવેલ 950 કરતાં પણ વધુ કેમેરાનાં ફોટો તથા વિડીયોને ધ્યાને લઈ સી.સી.ટી.વી થી કવર થતાં તમામ લોકેશન 24 ડ 7 મોનીટરીંગ કરી જેમાં 165 જેટલાં વિસ્તારોનો સી.સી.ટી.વી કેમેરાથી મોનીટરીંગ કરી 25 જેટલા લોકેશનમાં ખાડા જોવા મળતાં સત્વરે તે બાબતની નોંધ કરી આઇસીસીસીનાં અધિકારી દ્વારા ફરિયાદી બની ફરિયાદ નોંધાવેલ છે, જેથી સત્વરે આ બાબતનો નિકાલ થઈ શકે, તદુપરાંત સી.સી.ટી.વી થી કવર થતાં તમામ લોકેશન 24 ડ 7 મોનીટરીંગ કરી જાહેરમાં ફેકાતાં કચરાની સફાઈ તેમજ જાહેરમાં થુંકતા લોકો માટે પણ આવી જ રીતે આઇસીસીસીનાં અધિકારી દ્વારા ફરિયાદી બની ફરિયાદ નોંધવામાં આવશે જેથી શહેરીજનોને સુખાકારીમાં વધારો થઈ શકે.
આમ, સી.સી.ટી.વી. કેમેરા વડે માત્ર સર્વેલન્સ જ નહિં પણ શહેરનાં માર્ગો પર ભરાતાં વરસાદી પાણી/ખાડાઓની સમસ્યા ઉકેલવા અંગેનો નવતર અભિગમ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અપનાવવામાં આવેલ છે.