મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ અને મ્યુનિ. કમિશનર આનંદ પટેલની ઘોષણા
રાજકોટમાં ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનમાં તેમજ હવા પ્રદૂષણમાં, ટ્રાન્સપોર્ટ સેક્ટર ખુબ જ નોંધપાત્ર ભાગ ભજવે છે. ટ્રાન્સપોર્ટ સેક્ટર થકી ઉત્સર્જિત થતા ગ્રીન હાઉસ ગેસમાં ઘટાડો લાવવા માટે, ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહિત કરવું આવશ્યક બને છે. નાગરિકો, વ્યક્તિગત ઉપયોગ માટે ઇલેક્ટ્રિક વાહનોની વધુ પસંદગી કરે તે માટે રાજ્ય સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી ઉપર સબસીડી પણ આપવામાં આવે છે. રાજકોટના નાગરિકો પણ શહેરમાં ઉપયોગ માટે ઇલેક્ટ્રિક 2-વ્હીલર અને ઇલેક્ટ્રિક 4-વ્હીલર વાહનોની પસંદગી કરી રહ્યા છે. તે ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાની પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની બસ સર્વિસમાં પણ ઇલેક્ટ્રિક-બસનો ઉપયોગ શરુ કરેલ છે.
રાજકોટ મહાનગરપાલિકાની બીઆરટીએસ સર્વિસમાં સંપૂર્ણ પણે ઇલેક્ટ્રિક-બસનો ઉપયોગ થઇ રહેલ છે. રીક્ષાઓમાં પણ ઇલેક્ટ્રિક વાહનના ઉપયોગને વધારવા માટે, રાજકોટ શહેરના કોઇપણ નાગરિક ઇલેક્ટ્રિક રીક્ષાની ખરીદી કરશે તો રાજકોટ મહાનગરપાલિકાના માધ્યમથી કેપેસિટીઝ પ્રોજેક્ટ દ્વારા “રાજકોટ ગ્રીન મોબિલિટી પ્રોગ્રામ” અંતર્ગત રૂ.30,000/-ની સબસીડી મળશે તેવી મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ. કમિશનર આનંદ પટેલ દ્રારા કરવામાં આવી છે.
રાજકોટમાં ફર્સ્ટ અને લાસ્ટ માઈલ કેનેક્ટિવિટી માટે નાગરિકો રીક્ષાનો ઉપયોગ વધુ કરે છે. આ સર્વિસમાં ઇલેક્ટ્રિક રીક્ષાનો ઉપયોગ હાલના તબક્કે ખુબજ ઓછો છે. જે અંગેના કારણો જાણવા માટે વિવિધ સ્ટેકહોલ્ડર સાથે ચર્ચા ડેપ્યુટી કમિશ્નર અનિલ ધામેલિયાની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ. ચર્ચા દરમ્યાન ધ્યાને આવેલ કે, ઇલેક્ટ્રિક રીક્ષા ખરીદનાર માટે લોન મેળવ્યા બાદ આપવાની થતી ડાઉન પેમેન્ટ/માર્જિન અમાઉન્ટની રકમની ચુકવણી એક નડતર બને છે.
આ ડાઉન પેમેન્ટ/માર્જિન અમાઉન્ટમાં સહયોગ કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાએ સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કો-ઓપરેશન દ્વારા રાજકોટ શહેરમાં ચાલતા કેપેસિટીઝ પ્રોજેક્ટના અંતર્ગત ઇલેક્ટ્રિક-ઓટો ખરીદનારને રૂપિયા 30,000ની સબસીડી આપવાનું નક્કી કરાયું છે. આ સબસીડી “રાજકોટ ગ્રીન મોબિલિટી પ્રોગ્રામ” અંતર્ગત પહેલી 100 ઇલેક્ટ્રિક-ઓટો ખરીદનારને આપવામાં આવશે.
“રાજકોટ ગ્રીન મોબિલિટી પ્રોગ્રામ” અંતર્ગત સબસીડી મેળવવા માટે કેટલાક માપદંડ મુજબની ઇલેક્ટ્રિક રીક્ષા પાત્ર ગણાશે.
વાહન D+3 ની બેઠક ક્ષમતા સાથે L5 શ્રેણીનું હોવું જોઈએ. વાહનમાં લિથિયમ-આયન બેટરી હોવી જોઇએ ફુલ બેટરી ચાર્જમાં વાહનની પ્રમાણિત ઓપરેટિંગ રેન્જ 100 કિમીથી વધુ હોવી જોઈએ. વાહન પાસે અછઅઈં મંજૂરી અને અન્ય જરૂરી ફિટનેસ પ્રમાણપત્રો હોવા આવશ્યક છે.
રાજકોટ ગ્રીન મોબિલિટી પ્રોગ્રામની વધુ જાણકારી અને પાત્ર ઈ-ઓટોની યાદી મેળવવા માટે રાજકોટ મહાનગરપાલિકાની NULM ટીમનો સંપર્ક કરવાનો રહેશે. પોતાની પસંદગી મુજબની ઈ-ઓટોને ફાઈનલ કર્યા બાદ જરૂરી બેન્ક લોન મેળવવાની અરજી પ્રક્રિયા કરવાની રહેશે, જે અંગે માર્ગદર્શન આપવામાં આવશે. મંજૂર થયેલ લોન સિવાયની રકમ, ઈ-ઓટો ડીલરને ડાઉન પેમેન્ટ/માર્જિન અમાઉન્ટ તરીકે ચૂકવવાની રહેશે, જેમાં ઈ-ઓટો ડીલર દ્વારા રૂપિયા 30,000 નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ઈ-ઓટો ડીલરને, તેમના દ્વારા આપવામાં આવેલ ડિસ્કાઉન્ટની ચુકવણી રાજકોટ મહાનગરપાલિકાના CapCITIES પ્રોજેક્ટ દ્વારા કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા દરમ્યાન, રાજ્ય સરકારની અન્ય યોજનાઓ (શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના અથવા ગુજરાત ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી) થકી વધુ લાભ/સબસીડી મેળવવા માટે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકા અને સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કો-ઓપરેશન (SDC) વચ્ચે રાજકોટ શહેરમાં કલાઇમેટ રેસિલિઅન્ટ એકશન લેવા માટે CapaCITIES પ્રોજેક્ટના અમલીકરણ અંગે ખજ્ઞઞ થયેલ છે.
જે અંતર્ગત પ્રત્યેક વર્ષ દરમ્યાન, શહેરમાં ઉત્પન્ન થતા ગ્રીન હાઉસ ગેસ (GHG) ની નોંધ તૈયાર કરવામાં આવે છે અને તે નોંધ મુજબ શહેરમાં ગ્રીન હાઉસ ગેસ (GHG)નું ઉત્સર્જન ઘટાડવા માટે વિવિધ પ્રોજેક્ટસ પણ કરવામાં આવે છે. પ્રત્યેક વર્ષે શહેરમાં કુલ ઉત્પન્ન થયેલ ગ્રીન હાઉસ ગેસ (GHG)ની નોંધ અને તેમાં ઘટાડો કરવા માટે વિવિધ સેક્ટર્સ, જેમકે એનર્જી, ટ્રાન્સપોર્ટ, હાઉસિંગ, વેસ્ટ, વોટર તથા ડ્રેનેજમાં લેવાયેલ વિવિધ એમ્બિશિયસ તથા ઇનોવેટિવ કલાઇમેટ એકશનને CDP-ICLEI Track નામક રિપોર્ટિંગ સિસ્ટમમાં રિપોર્ટ કરવામાં આવે છે. જેની ઇન્ટરનેશનલ કમિટી અને સેક્ટર નિષ્ણાતો દ્વારા સમીક્ષા કરવામાં આવે છે.
રાજકોટને તેના આબોહવા પરિવર્તન સામે લડવા માટેના પ્રગતિશીલ પગલાં માટેના વ્યાપક અભિગમ થકી One Planet City Challenge (OPCC)’ અંતર્ગત ગ્લોબલ કક્ષાએ “નેશનલ વિનર” ની પદવી વર્ષ 2022માં મળેલ છે. જે માટે રાજકોટ શહેરની રાજકીય પ્રતિબદ્ધતાની પણ ખાસ નોંધ લેવામાં આવી હતી..