વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતા અમલમાં હોય બોર્ડ બેઠક માત્ર વંદે માતરમ્ના ગાન પૂરતી સીમીત રહેશે: પૂર્વ મેયર ઉદયભાઈ કાનગડ પોતાના શબ્દો પાછા નહીં ખેંચે ત્યાં સુધી કોંગ્રેસ દ્વારા બોર્ડનો બહિષ્કાર
રાજકોટ મહાનગરપાલિકામાં આવતીકાલે શનિવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયની અધ્યક્ષતામાં જનરલ બોર્ડની બેઠક મળશે. હાલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતા અમલમાં હોવાના કારણે બોર્ડમાં કોઈ પ્રશ્ર્નોની ચર્ચા નહીં થાય કે મંજુરી અર્થે રજુ કરવામાં આવેલી દરખાસ્તો અંગે કોઈ નિર્ણય લેવામાં આવશે નહીં. બોર્ડ માત્ર વંદે માતરમ્ના ગાન પૂરતુ જ સીમીત રહેશે. બોર્ડનો વિરોધ પક્ષ દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો છે.
મહાપાલિકામાં ગત ૧૭/૧૦/૨૦૧૭ના રોજ મળેલી જનરલ બોર્ડની બેઠકમાં ભાજપના કોર્પોરેટર અને પૂર્વ મેયર ઉદયભાઈ કાનગડે કાળી ચૌદશીયા જેવો શબ્દોનો પ્રયોગ કરતા કોંગ્રેસે બોર્ડનો બહિષ્કાર કર્યો હતો. દરમિયાન આજે વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠિયાએ જણાવ્યું હતું કે, આવતીકાલે મળનારી બોર્ડ બેઠકમાં કોંગ્રેસના તમામ કોર્પોરેટરો બહિષ્કાર કરશે. આ અંગે મેયરને લેખિતમાં જાણ કરી દેવામાં આવી છે.
પૂર્વ મેયર ઉદયભાઈ કાનગડ દ્વારા કોંગ્રેસના તમામ કોર્પોરેટરો વિશે જે હિન શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે તે સાંખી નહીં લેવાય. આવતીકાલે મળનારી જનરલ બોર્ડની બેઠકમાં માત્ર વંદે માતરમનું ગાન વગાડી આટોપી લેવામાં આવશે. પૂર્વ મેયર ઉદયભાઈ કાનગડ જયાં સુધી કોંગ્રેસ વિશે બોલેલા હિન શબ્દો પાછા નહીં ખેચે અને માફી નહીં માંગે ત્યાં સુધી કોંગ્રેસ બોર્ડ બેઠકનો બહિષ્કાર કરશે.
તેઓએ ઉમેર્યંુ હતું કે, બોર્ડના અધ્યક્ષ એવા મેયર કુદરતી ન્યાયના સિદ્ધાંત વિરુઘ્ધ જઈ એક તરફી નિર્ણય લઈ પ્રજાવિરોધી કાર્ય કરે છે. ભાજપના ગુંડાધારી કોર્પોરેટરોને છાવરે છે તે ચલાવી લેવામાં આવશે નહીં. શાસકો બોર્ડનો સમય પણ વધારતા નથી. એક તરફ બોર્ડમાં પ્રેક્ષકો માટે પ્રવેશબંધી લાદી દેવામાં આવી છે તો બીજી તરફ સભાગૃહમાં પ્રજાના પ્રશ્ર્નોનો ઉલાળિયો કરી ભાજપના નગરસેવકો દાદાગીરી કરી રહ્યા છે.
કાલે મળનારી જનરલ બોર્ડની બેઠકમાં મંજુરી અર્થે કુલ ૫ દરખાસ્ત રજુ કરવામાં આવી છે. જેમાં સિનિયર કલાર્કની જગ્યાના ભરતી નિયમો નિયત કરવા, હેડ કલાર્કની જગ્યાના ભરતીના નિયમો નિયત કરવા, અરવિંદભાઈ મણિયાર પુસ્તકાલયના બોર્ડમાં સભ્ય તરીકે કોર્પોરેશનના પ્રતિનિધિની નિમણુક કરવા, રૈયા રોડ પર આવેલા ગુરુગોવિંદસિંહજી શોપીંગ સેન્ટરની દુકાનો જાહેર હરાજીથી વેચાણથી આપી તેનો દસ્તાવેજ કરી આપવા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું રોજ કામ ધ્યાનમાં લેવાની દરખાસ્ત મુકવામાં આવી છે.
વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતાને કારણે તમામ દરખાસ્તો પેન્ડીંગ રાખવામાં આવશે. બોર્ડમાં વંદે માતરમ્નું ગાન પૂર્ણ થયા બાદ વોર્ડ નં.૪ના કોંગી કોર્પોરેટર પ્રભાતભાઈ ડાંગરને તાજેતરમાં અવસાન થતા તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી બોર્ડ બેઠક આટોપી લેવામાં આવશે.