સામાન્ય વરસાદમાં પણ શહેરના રાજમાર્ગો પણ પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. ભારે વરસાદમાં રાજમાર્ગો પર જાણે નદીઓ વહેતી હોય તેવો માહોલ જોવા મળે છે. વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થાય અને જમીનના તળ પર ઉંચા આવે તે માટે મહાપાલિકા દ્વારા રાજમાર્ગો પર જયાં ચોમાસામાં વરસાદ પાણી ભરાય છે ત્યાં ૪૦ ફુટ ઉંડા અને ૬ ઈંચ પહોળા બોર બનાવવામાં આવશે. તેમ આજે પત્રકારોને માહિતી આપતા મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, શહેરમાં મોટાભાગના રાજમાર્ગો પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. જેનો કાયમી ધોરણે નિકાલ લાવવા માટે રાજમાર્ગો પર જયાં વરસાદના પાણી ભરાય છે ત્યાં બોર બનાવવાની વિચારણા શ‚ કરવામાં આવી છે. દરમિયાન આજે સવારે મ્યુનિસિપલ કમિશનર બંછાનીધિ પાની સાથે ચર્ચા કર્યા બાદ શહેરના કયાં કયાં વિસ્તારોમાં પુષ્કળ પ્રમાણમાં વરસાદના પાણી ભરાય છે તેનો સર્વે કરવા માટે ત્રણેય ઝોનના સીટી એન્જીનીયર અને ડેપ્યુટી એન્જીનીયરને સુચના આપી દેવામાં આવી છે. સર્વે રીપોર્ટ આવ્યા બાદ બોર કરવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. રાજમાર્ગો પર માત્ર ૪૦ ફુટ ઉંડા જ બોર બનાવવામાં આવશે. કારણકે એક સર્વે મુજબ ૫૦ ફુટ ઉંડેથી પાણી બહાર નિકળતા હોય છે જેના કારણે બોરની ઉંડાઈ ૪૦ ફુટ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ ઉપરાંત બોર પર મજબુત લોખંડની ગ્રીલ મુકવામાં આવશે. જેના કારણે કોઈ અકસ્માતનો ભય પણ ન રહે. વરસાદનું પાણી બોર વાટે સીધું જ જમીનમાં ઉતરી જશે. જેનાથી મુખ્ય બે ફાયદા થશે. એક તો રાજમાર્ગો પર વરસાદી પાણી ભરાશે નહીં જેથી રોડ તુટવાની પણ સમસ્યા રહેશે નહીં. બીજું શહેરભરમાં જમીનના તળ સાજા થઈ જશે. સર્વે અને ટેન્ડર પ્રસિઘ્ધ કરવા સહિતની કામગીરી ખુબ જ ઝડપથી પૂર્ણ કરી લેવામાં આવશે.