કરોડો રૂપિયાના ખર્ચે ગોઠવવામાં આવેલા સીસીટીવી કેમેરા માત્ર વાહન ચાલકોને દંડવા પુરતા જ રખાયા હોય તેવો માહોલ: રાજમાર્ગો પર ખડકાતા ગેરકાયદે બાંધકામો પર સીસીટીવી કેમેરાની નજર પડતી નથી કે શું ?

શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા શહેરના મોટાભાગના વિસ્તારોમાં સીસીટીવી કેમેરા ગોઠવી દેવામાં આવ્યા છે. કરોડો રૂપિયાનું આંધણ માત્રને માત્ર નિર્દોષ વાહન ચાલકોને જ દંડવા માટે કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. વાહન ચાલક સ્ટોપ લાઈનની બહાર નીકળે કે તરત સીસીટીવી કેમેરો ફોટો પાડી તેના ઘરે હજારોના દંડનો મેમો મોકલી દે છે. શહેરના મુખ્ય રાજમાર્ગો પર અને કરોડો રૂપિયાની સરકારી જમીન પર ખડકાતા ગેરકાયદે બાંધકામો પર જાણે સીસીટીવી કેમેરાની નજર પડતી ન હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં કોર્પોરેશનની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા અલગ અલગ 17 રાજમાર્ગો પર 954 ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. રોજ 1 ગેરકાયદે બાંધકામ ખડકાઈ જાય છે જેને હટાવવા માટે નોટિસ સહિતની પ્રક્રિયા હાથ ધર્યા બાદ તેને દૂર કરવામાં આવે છે તો શું આવા બાંધકામ માટે જ્યારે ઈંટ મુકાતી હશે અને ચણતર થતું હશે ત્યારે સીસીટીવી કેમેરાની નજર તેમના પર પડતી ન હોય તેવો પ્રશ્ર્ન પણ શહેરીજનોના મનમાં ઉભો થઈ રહ્યો છે.  કોઈપણ પ્રકારની ગેરકાયદે થતી પ્રવૃતિ અટકાવવાનું કામ જો સીસીટીવી કેમેરા દ્વારા કરવામાં આવે તો તે ખરેખર ખુબજ સરાહનીય છે. પરંતુ રાજકોટમાં મહાપાલિકા અને પોલીસ દ્વારા મુકવામાં આવેલા સીસીટીવી કેમેરાનો માત્ર વાહન ચાલકોને જ નિયમના ભંગ બદલ દંડવાનો કમાન્ડ ફીટ કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે.

છેલ્લા ત્રણ વર્ષમાં કોર્પોરેશનની ટીપી શાખા દ્વારા 954 બાંધકામો જે ગેરકાયદે ખડકાયા હતા તેને દૂર કરવામાં આવ્યા છે. આ બાંધકામો ખડકાઈ ગયા ત્યાં સુધી સીસીટીવી કેમેરાની નજર પણ તેના પર નહીં પડી હોય તેવો સવાલ ઉભો થઈ રહ્યો છે. ટીપી શાખા દ્વારા સંતકબીર રોડ પર છેલ્લા ત્રણ વર્ષમાં 130, સરદાર નગર રોડ પર 61, યાજ્ઞીક રોડ પર 32, કુવાડવા રોડ પર 49, યુનિવર્સિટી રોડ પર 91, કાલાવડ રોડ પર 50, રૈયા રોડ પર 71, પેડક રોડ પર 59, 150 ફૂટ રીંગ રોડ પર 120, ભાવનગર રોડ પર 51, જવાહર રોડ પર 28, મવડી રોડ પર 45, ઢેબર રોડ પર 51, નાના મવા મેઈન રોડ પર 58, દૂધસાગર રોડ ચુનારાવાડ ચોકમાં 11, સાધુ વાસવાણી રોડ પર 27 અને રેસકોર્સ રીંગ રોડ પર 20 બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.