૧૫૦ ફુટ રીંગ રોડ પર ૨૩ સ્થળે માર્જીનમાં ખડકાયેલા ઓટા, છાપરાનું દબાણ હટાવાયું: શાસ્ત્રીમેદાન સામે ઈમ્પિરિયા બિલ્ડીંગે પણ માર્જીનમાંથી દબાણ દુર કર્યું
વન ડે વન રોડ ઝુંબેશ અંતર્ગત પાર્કિંગ અને માર્જીનમાં ખડકાયેલા દબાણો દુર કરવા માટે ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવે છે. જે અંતર્ગત આજે સતત ત્રીજા દિવસે ૧૫૦ ફુટ રીંગ રોડ પર ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. ૨૩ સ્થળોએ માર્જીન પાર્કિંગમાં ખડકાયેલા દબાણો દુર કરાયા હતા. જયારે નારાયણનગરમાં લોખંડના પાઈપથી બંધ કરી દેવાયેલી શેરીઓ ખુલ્લી કરાવવામાં આવી હતી. શાસ્ત્રીમેદાન સામે નિર્માણાધીન ઈમ્પીરીયા બિલ્ડીંગે પાર્કિંગમાં ખડકી દિધેલું દબાણ સ્વૈચ્છાએ આજે દુર કરી દીધું છે.
સેન્ટ્રલ ઝોનમાં નારાયણનગર શેરી નં. ૨, ૪, ૫, ૬ અને ૮ના રહેવાસીઓ દ્વારા લોખંડના પાઈપથી શેરી બંધ કરી દેવામાં આવી હતી.
જે આજે કોર્પોરેશનને ડિમોલીશન કરી ખુલ્લી કરાવાઈ હતી. જયારે શાસ્ત્રીમેદાન સામે ઈમ્પીરીયા બિલ્ડીંગના માર્જીનમાં ગેરકાયદે બ્યુટીફીકેશન સહિતનું બાંધકામ કરી દેવામાં આવ્યું હતું જે બે દિવસમાં દુર કરવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. આજે બિલ્ડરે સ્વૈચ્છાએ માર્જીનમાં ખડકેલું બાંધકામ દુર કરી દિધુ હતું.
૧૫૦ ફુટ રીંગ રોડ પર આજે સતત ત્રીજા દિવસે ડિમોલીશનની કામગીરી હાથ ધરાઈ હતી. જે અંતર્ગત અલગ-અલગ ૨૩ સ્થળોએથી માર્જીન પાર્કિંગમાં ખડકાયેલા લોખંડના એન્ગલ, સાઈન બોર્ડ, પતરા, કેબીન દુર કરવામાં આવ્યા હતા.