પોઝિટિવ રિપોર્ટ ન આવતા તંત્રને હાશકારો
મહાપાલિકા દ્વારા શહેરમાં કોરોના વાયરસના સંક્રમણનો પ્રસાર રોકવા શકય તમામ પ્રયાસો કરવામાં આવી રહયા છે જે અંતર્ગત કોરોનાનો ચેપ ફેલાતો રોકવા સાવચેતીરૂપે આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી જી આઈ ડી સી ખાતે ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓના સ્વાસ્થ્યની ચકાસણી અને આવશ્યકતા અનુસાર એન્ટીજન ટેસ્ટ કરવા માટે વધુ એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કર્મચારીઓનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું અને ટેમ્પરેચર, એસ પી ઓ ૨ અને કોરોનાના અન્ય લક્ષણો જણાતા ૨૦૨ લોકોના ટેસ્ટ કરાયા હતાં તેમ, મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું. આ કેમ્પના આયોજન વિશે વાત કરતા મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે વધુમાં એમ જણાવ્યું હતું કે, આજી જી આઇ ડી સી ખાતે આવેલ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કર્મચારીઓ સવારથી સાંજ સુધી એકબીજાના સંપર્કમાં આવતા હોય છે, અને કોરોનાની ચેઈન તોડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
આ અગાઉ પણ ગત ૨૯મીએ આજી જી આઈ ડી સીખાતે ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓના રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એન્ટીજન ટેસ્ટ કેમ્પ કરવામાં આવ્યો હતો, અને ટેમ્પરેચર, એસઓપી૨ અને કોરોનાના અન્ય લક્ષણો જણાતા ૧૯૭ લોકોના ટેસ્ટ કરાયા હતાં. આજે યોજાયેલા મેડિકલ કેમ્પમાં આરોગ્ય શાખાની કુલ દસ મેડીકલ ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.