સિવિલ હોસ્પિટલે રૂ.1.37 કરોડ અને ડાંગર હોમીયોપેથી કોલેજે રૂ.3.20 લાખ વેરા પેટે જમા કરાવ્યા
અબતક, રાજકોટ
કોર્પોરેશનની વેરા વસૂલાત શાખાએ લાલ આંખ કરતા રાજકોટ સિવિલ હોસ્પિટલ અને ડાંગર હોમીયોપેથી કોલેજે ધડાધડ બાકી વેરો ભરપાઇ કરી દીધો હતો. આજે બપોર સુધીમાં 5 બાકીદારોની મિલકતો સીલ કરવામાં આવી હતી અને 25 મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ ફટકારવામાં આવી છે. એક એપાર્ટમેન્ટનું નળ જોડાણ કપાત કરવામાં આવ્યું છે.
આજે હાથ ધરવામાં આવેલી ટેક્સ રિક્વરીની કામગીરી અંતર્ગત જામનગર રોડ પર આવેલી ડાંગર હોમીયોપેથી કોલેજે બાકી વેરા પેટે રૂ.3.20 લાખ અને સિવિલ હોસ્પિટલે રૂ.1.37 કરોડ જમા કરાવી દીધા હતાં. વોર્ડ નં.8માં અમિન માર્ગ પર બાકી પાણી વેરો વસૂલ કરવા માટે રિક્વરીની કામગીરી હાથ ધરાતા રૂ.80,000 ભરપાઇ કરી દીધા હતા. જ્યારે પરંમ પ્રકાશ એપાર્ટમેન્ટમાં પાણી વેરો વસૂલવા માટે 9 નળ જોડાણ કપાત કરવામાં આવ્યા છે. આજે બપોર સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં 3 મિલતકો સીલ કરવામાં આવી હતી અને 19 મિલકતોને ટાંચ જપ્તીની નોટીસ ફટકારવામાં આવી છે. જ્યારે વેસ્ટ ઝોનમાં 1 મિલકતને ટાંચ જપ્તીની નોટીસ આપવામાં આવી હતી અને એક સમ્પ વોટર કનેક્શન કપાત કરાયું હતું. જ્યારે ઇસ્ટ ઝોનમાં બે મિલકતો સીલ કરવામાં આવી છે અને પાંચ ટાંચ જપ્તીની નોટીસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ગત્ નાણાંકીય વર્ષમાં વેરા પેટે રૂ.189 કરોડની આવક થવા પામી હતી. દરમિયાન ચાલુ નાણાંકીય વર્ષમાં જાન્યુઆરી માસમાં ટેક્સની આવકનો આંક રૂ.192 કરોડએ પહોંચી ગયો છે. આગામી દિવસોમાં બાકીદારોની મિલકતની જાહેર હરરાજી કરવામાં આવશે.