25 કિલો અખાદ્ય સામગ્રીનો નાશ: જગન્નાથ ચોક, કેવડાવાડી મેઈન રોડ, પેડક રોડ પરથી શુદ્ધ ઘીના અને કોટેચા ચોકમાં કનકાઈ એન્ટરપ્રાઈઝમાંથી ચોકલેટનો નમુનો લેવાયો
કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા આજે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચાર સ્થળોએ ખાણીપીણીની બજારોમાં ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત 25 સ્થળે ચેકિંગ દરમિયાન 25 કિલોથી વધુ વાસી અને અખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો. ત્રણ સ્થળેથી શુદ્ધ ઘીના નમુના લેવામાં આવ્યા હતા અને એક સ્થળેથી ચોકલેટનો નમુનો લઈ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે.
ફૂડ વિભાગ દ્વારા આજે શહેરના જગન્નાથ ચોકમાં અભિલાષા એપાર્ટમેન્ટમાં આઈ મોગલ ડેરી ફાર્મમાંથી શુદ્ધ ઘી, કેવડાવાડી મેઈન રોડ પર ગરબી ચોકમાં ક્રિષ્ના ઘી ભંડારમાંથી ભેંસનું શુદ્ધ ઘી જ્યારે પેડક રોડ ત્રાસીયા રોડ પર બ્રાહ્મણીપરા-4માં મહાદેવ દિવેલમાંથી 15 કિલોના પેકિંગમાંથી સ્પાન લાઈટ ફેટ ઘીનો નમુનો લેવામાં આવ્યો હતો. કાલાવડ રોડ પર કોટેચા ચોકમાં કનકાઈ એન્ટરપ્રાઈઝમાંથી ચોકલેટનો નમુનો લઈ પરિક્ષણ અર્થે મોકલવામાં આવ્યો છે.
આ ઉપરાંત કોઠારીયા રોડ, નાણાવટી ચોક, 150 ફૂટ રીંગ રોડ અને નિર્મલા રોડ પર ખાણીપીણીની બજારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 25 સ્થળોએ ચેકિંગ દરમિયાન 10 કિલો વાસી દાઝ્યુ તેલ, 3 કિલો વાસી સોસ, 2 કિલો વાસી જલેબી, 1 કિલો સંભારો અને 4 કિલો વાસી મીઠાઈ સહિત કુલ 25 કિલોથી વધુ અખાદ્ય ખોરાકના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.