જૂનાગઢના પાવન, પવિત્ર દામોદર કુંડના પાણીમાં ગટર સહિતનો પ્રદૂષિત કચરો ભળી જતા દામોદર કુંડના જળ પ્રદૂષિત બની ગયા હતા અને કાળા પડી જતા, અહીં આવેલા દેશ-વિદેશના તથા સ્થાનિક ભાવિકોમાં રોષ અને જૂનાગઢના પ્રબુદ્ધ લોકોની નારાજગી તથા મનપા સામેના ભારે આક્રોશ બાદ અંતે મનપા સફાળું જાગ્યું હતું અને દામોદર કુંડમાં 20 માણસોને કામે લગાડી દામોદર કુંડ ખાલી કરી દામોદર કુંડની સફાઈ કરવામાં આવી રહી છે.

દામોદર કુંડના કાળા પાણીના ફોટા વાયરલ થતા મનપા સફાળી જાગી

જૂનાગઢનું પુરાણ પ્રસિદ્ધ દામોદર કુંડ કે જ્યાં નરસિંહ મહેતા વહેલી સવારે નાહવા જતા હતા. આ સાથે અનેક દેવી-દેવતાઓ, સંતો મહંતોએ આ પવિત્ર કુંડમાં સ્નાં કર્યું છે. તેવા રાધા દામોદર મંદિરના સાનિધ્યમાં આવેલ જગવિખ્યાત પાવન પવિત્ર દામોદર કુંડ છેલ્લા ઘણા દિવસોથી દૂષિત બન્યું હતું. અને આ દામોદર કુંડના જળ કાળા થઈ જવાની સાથે પ્રદૂષિત થયા હતા તે સાથે ભારે ગંદકી ફેલાઈ હતી. તે દરમિયાન જ પુરાણોમાં ઉલ્લેખ મુજબ પરિક્રમા બાદ ભાવિકો સ્નાન કરી પોતાની યાત્રા અહીં પૂર્ણ કરવા પહોંચ્યા હતા. ત્યારે જ બદબુ મારતા દામોદર કુંડના પાણીથી સ્નાન કરવું તો એક બાજુ રહ્યું પરંતુ પંચામૃત લેવું પણ શક્ય ન હોય ત્યારે ભાવિકોમાં ભારે રોષ ઉઠ્યો હતો અને આ દામોદર કુંડની સફાઈ યોગ્ય રીતે ન થતી હોવાનો મનમાં ઉપર ભારે બડાપો ઠલવાઈ રહ્યો હતો.

આ સાથે સોશિયલ મીડિયા ઉપર જુનાગઢના પ્રબુદ્ધ નાગરિકો દ્વારા મનપા ઉપર તળાપીડ બોલી હતી અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ દામોદર કુંડમાં ખર્ચાયા હોવા છતાં કોઈ સુવિધાઓ ઊભી થઈ નથી. આ સિવાય દામોદર કુંડના પાણીને ફિલ્ટર કરવા માટે લગાવવામાં આવેલા ફિલ્ટર પ્લાન્ટ ક્યાં ગયો ? અને ગ્રાન્ટની રકમમાં કોના ખિસ્સામાં ગઈ ? તે સહિતના આક્ષેપો ભારે ઉઠવા પામ્યા હતા.

જો કે, ભાવિકોના ભારે રોષ અને જુનાગઢના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ તથા ભાવિકોની નારાજગી અને આક્ષેપો બાદ મનપા તંત્ર સફાળું જાગ્યું હતું અને તેમને દામોદર કુંડના પ્રદૂષિત થયેલા કાળાપાણી ધ્યાનમાં આવતા તાત્કાલિક દામોદર કુંડની સફાઈ કરવાની કામગીરી ગઈકાલથી હાથ ધરવામાં આવી હતી. મનપાના  સેનીશન વિભાગ દ્વારા કુંડની સ્વચ્છતા માટે 20 માણસોને કામે લગાડવામાં આવ્યા હતા.

આ અંગે જુનાગઢ મનપાના સેનિટેશન અધિકારી ચુડાસમાના જણાવ્યા અનુસાર, ભાવિકોના ભારે પ્રવાહના કારણે તથા યાત્રિકો દ્વારા કચરો ફેકાતા દામોદર કુંડના પાણી દૂષિત થયા હતા જેને લઈને મનપાના સેનિટેશન વિભાગ દ્વારા દામોદર કુંડને ખાલી કરવામાં આવ્યો છે. અને મનપાના 20 જેટલા માણસોને કામે લગાડી દામોદર કુંડની સ્વચ્છતા આરંભી દેવામાં આવી છે. તે સાથે  કુંડમાંથી જેસીબી અને અન્ય વાહનો દ્વારા કાપ કાઢવામાં પણ આવી રહ્યો છે. કાપ કાઢી નાખ્યા બાદ આખા કુંડને ફરીવાર પાણીથી ચોખ્ખો કરવામાં આવશે. અને કુંડના પગથિયાં તથા સીડીને સફેદ સિમેન્ટથી પુરાણ કરવામાં આવશે. ત્યારબાદ ફરી વખત આખો કુંડ શુદ્ધ પાણીથી ભરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.