- કોર્પોરેશનના સ્ટ્રક્ચર એન્જિનિયર પાસે હોર્ડિંગ બોર્ડની મજબૂતાઇની પુન:ચકાસણી કરવા મ્યુનિ.કમિશનર આનંદ પટેલની તાકીદઅબતક, રાજકોટ
મહાનગરી મુંબઇમાં એશિયાના સૌથી મજબૂત હોર્ડિંગ બોર્ડનું જેને બહુમાન મળ્યું હતું. તે હોર્ડિંગ બોર્ડ તૂટવાના કારણે 14 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. આવી ઘટના ભવિષ્યમાં રાજકોટમાં ન બને તે માટે કોર્પોરેશન દ્વારા તમામ ખાનગી હોર્ડિંગ સાઇટને સ્ટ્રક્ચર સ્ટેબિલીટી સર્ટિફીકેટ રજૂ કરવા માટે તાકીદ કરવામાં આવી છે. દરમિયાન સતત ટ્રાફિકથી ધમધમતા સર્કલો અને રાજમાર્ગો પરના મહાકાય હોર્ડિંગ બોર્ડની મજબૂતાઇ ખૂદ કોર્પોરેશન દ્વારા ચકાસવામાં આવશે. એજન્સી દ્વારા સ્ટ્રક્ચર રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હોય તો પણ કોર્પોરેશનની એસ્ટેટ શાખાને પોતાના સ્ટ્રક્ચર એન્જિનીંયર મારફત હોર્ડિંગની મજબૂતાઇ અંગે પુન: ચકાસણી કરવા માટે મ્યુનિ. કમિશનર દ્વારા તાકીદ કરવામાં આવી છે.
શહેરમાં 334 ખાનગી હોર્ડિંગ સાઇટ આવેલી છે. જ્યારે 218 હોર્ડિંગ સાઇટ કોર્પોરેશનની પોતાની છે. જે તમામ પાસે સ્ટ્રક્ચર સ્ટેબિલટી સર્ટિફીકેટ ઉપલબ્ધ છે. છતાં મુંબઇમાં થોડા દિવસ પહેલા હોર્ડિંગ ધરાશાયી થવાની ઘટનામાં 14 વ્યક્તિઓના મોત નિપજ્યાની દુર્ઘટના સર્જાઇ હતી. આવી કોઇ જીવલેણ ઘટના હોર્ડિંગ બોર્ડના કારણે રાજકોટમાં ન બને તે માટે કોર્પોરેશન દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. જે હોર્ડિંગ સાઇટના સ્ટ્રક્ચર સ્ટેબિલીટી રિપોર્ટની મુદ્ત પૂર્ણ થઇ ગઇ હોય તેઓને નોટિસ પણ આપવામાં આવી હતી. છેલ્લા ત્રણેક દિવસથી હોર્ડિંગ બોર્ડના સર્વેની કામગીરી મોટાભાગે પૂર્ણ થઇ ગઇ છે. ખાનગી સાઇટના હોર્ડિંગના પણ સ્ટ્રક્ચર સ્ટેબિલીટી રિપોર્ટ આવી ગયા છે. બીજી તરફ સર્વે દરમિયાન જામનગર રોડ, નાગેશ્ર્વર અને નવા 150 ફૂટ રીંગ રોડ સહિતના વિસ્તારોમાંથી મંજૂરી વિના ઉભા થઇ ગયેલા 20 હોર્ડિંગ બોર્ડ મળી આવ્યા હતા. જે તમામને નોટિસ આપી તાત્કાલીક અસરથી ઉતારી લેવા સૂચના આપવામાં આવી છે.
દરમિયાન મ્યુનિ.કમિશનર આનંદ પટેલ દ્વારા કોર્પોરેશનની એસ્ટેટ શાખાને એવી તાકીદ કરવામાં આવી છે કે સતત ટ્રાફિકથી ધમધમતા રાજમાર્ગો અને સર્કલો પરના હોર્ડિંગ બોર્ડની મજબૂતી કોર્પોરેશનના સ્ટ્રક્ચર એન્જિનીંયર પાસે તપાસી લેવી જેથી ચોમાસાની સિઝનમાં ભારે પવન કે વરસાદ દરમિયાન કોઇ અનિચ્છનીય દુર્ઘટના ન સર્જાય. દબાણ હટાવ શાખા દ્વારા રાજમાર્ગો પર મંજૂરી વિના લગાવી દેવામાં આવેલા બોર્ડ અને બેનરો જપ્ત કરી દંડ ફટકારવામાં આવે છે. હવે આ વિનાઇલ બનાવનારને એવી સૂચના આપવામાં આવશે કે બોર્ડ-બેનરો પર પ્રિન્ટર, પ્રકાશક અને પાર્ટીનું નામ લખવામાં આવે જેથી કોઇ દુર્ઘટના બને તો તેની જવાબદારી ફિક્સ કરી શકાય. હોર્ડિંગ બોર્ડની મજબૂતાઇને મામલે કોર્પોરેશન રતિભાર પણ બેદરકારી ચલાવી લેવા માંગતું નથી.