• ક્યાં બાત હૈં જો છુપા રહે હો?: અગ્નિકાંડના ઘટનાસ્થળને વેરાન બનાવવાની તંત્રને એટલી ઉતાવળ કેમ હતી?

ટીઆરપી ગેમ ઝોન જે શનિવારે ડેથઝોનમાં તબદીલ થઇ હતી. પરિવાર સાથે હળવાશની પળો માણવા ગયેલા નિર્દોષ લોકો વિકરાળ આગમાં હોમાઈ ગયાં હતા અને ક્ષણભરમાં જ નિર્દોષ હાસ્ય કરુણ મરણચિસોમાં પરિવર્તિત થઇ જતાં ઘટનાના પડઘા રાજ્યભરમાં પડ્યા છે. ઘટનાની નોંધ સમગ્ર વિશ્વએ લીધી છે જ્યાં એકસાથે સરકારી ચોપડા અનુસાર 28 લોકો મોતના મંઝરમાં ભોગ બન્યા હતા. હવે આ ઘટનામાં ટીઆરપી ગેમઝોન કે જે ઘટનાસ્થળ છે ત્યાં જ તંત્રએ બુલડોઝર ફેરવી દઈ પુરાવાનો નાશ કરી દીધો છે. ઘટનાસ્થળ હંમેશા સંવેદનશીલ સ્થળ માનવામાં આવે છે અને તપાસના કામે તમામ પુરાવાઓ ઘટનાસ્થળ પરથી જ એકત્ર કરવામાં આવતા હોય છે પણ તંત્રએ તે સ્થળે જ બુલડોઝર ફેરવી દેતાં પુરાવાનો નાશ થઇ ગયાનું જાણકારો કહી રહ્યા છે.

રાજકોટના ઇતિહાસમાં ગત શનિવારનો દિવસ અત્યંત ગોઝારો રહ્યો હતો. અગાઉ ક્યારેય ન બની હોય તેવી કરુણ અને હૃદય કંપાવનારી ઘટના જયારે ગેમઝોનમાં બની તો કઠોર મનના માનવીનું હૃદય પણ દ્રવી ઉઠ્યું હતું. પરિવાર સાથે હળવાશની પળો માણવા ગયેલા 28 નિર્દોષ લોકો વિકરાળ આગની ચપેટમાં ભડથું થયાં હતા. અગ્નિકાંડમાં નિર્દોષ લોકો એટલી હદે ભડથું થયાં હતા કે તેમની ઓળખ મેળવવી પણ અશક્ય બનતા હતભાગી પરિજનોના ડીએનએ સેમ્પલ મેળવીને મૃતકોની ઓળખ મેળવવાની ફરજ પડી હતી.

હવે જે સ્થળ પર આટલી મોટી અને ગોઝારી ઘટના બની તે ગેમઝોનમાં ખડકી દેવામાં આવેલો પતરાનો માંચડો કોઈ પણ મંજૂરી વિના જ ઉભો કરી દેવામાં આવ્યો હતો. સાથોસાથ ફાયર એનઓસી પણ મેળવવામાં આવી ન હતી અને અધૂરામાં પૂરું ટાકા બનાવીને રાઇડ્સ ચલાવવા માટે 3 હજાર લિટરથી વધુ પેટ્રોલ-ડીઝલનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો એટલે કે ઘટનાને નોતરું આપવામાં આવ્યું હતું અને જયારે ઘટના બની ત્યારે આખુ રાજકોટ શોકમગ્ન થઇ ગયું હતું. હજુ પણ હતભાગી પરિવારોના આંખમાંથી આંસુ સુકાતા નથી ત્યારે કોર્પોરેશનએ પોતાની ગુનાહિત બેદરકારી છુપાવવા તાત્કાલિક અસરથી ગેમઝોનમાં બુલડોઝર ફેરવી દીધું હતું. ત્યારે સવાલ એવો ઉઠે છે કે, કોર્પોરેશનને એવી તો શું ઉતાવળ હતી કે, આટલી ઝડપીથી બુલડોઝર ફેરવી દેવાયું અને તમામ માંચડો ખટારામાં લોડ કરીને રવાના કરવાની પણ તજવીજ હાથ ધરી દેવામાં આવી.

અત્યંત ઉલ્લેખનીય બાબત છે કે, શનિવારે બપોરે આ ગોઝારી ઘટના બની હતી. રાત્રે 8 વાગ્યાં આસપાસ આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવાયો હતો. અંદાજિત ત્રણ કલાક સુધી મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી કરાઈ હતી. આ કાર્યવાહીની સાથોસાથ તંત્રએ ગેમઝોનમાં બુલડોઝર ફેરવવાનું પણ શરૂ કરી દીધું હતું.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રવિવારે સવારે સાત વાગ્યે રાજકોટ આવી પહોંચ્યાં હતા અને સીધા જ ઘટનાસ્થળે દોડી જઈ ઉચ્ચ અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી. આ સમયે મીડિયા પણ હાજર હતું અને મીડિયા આ ઘટનાની સાક્ષી છે કે, મુખ્યમંત્રી પહોંચ્યા તે પૂર્વે જ મોટાભાગના માંચડા પર બુલડોઝર ફેરવી મેદાન કરી નાખ્યું હતું. હવે ઘટનામાં જયારે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું તે પછી એફએસએલની ટીમો સેમ્પલ લેવા પહોંચી હતી તો જયારે અગાઉ જ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું ત્યારે એફએસએલને વેરાન મેદાનમાંથી શું મળ્યું હશે તે પણ એક સવાલ છે.

બુલડોઝર ફેરવ્યા બાદ લેવાયેલા સેમ્પલમાં કંઈ મળી આવ્યું હશે ખરૂ?

મુખ્યમંત્રી પહોંચ્યા તે પૂર્વે જ મોટાભાગના માંચડા પર બુલડોઝર ફેરવી મેદાન કરી નાખ્યું હતું. હવે ઘટનામાં જયારે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું તે પછી એફએસએલની ટીમો સેમ્પલ લેવા પહોંચી હતી તો જયારે અગાઉ જ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું ત્યારે એફએસએલને વેરાન મેદાનમાંથી શું મળ્યું હશે તે પણ એક સવાલ છે.

અગ્નિકાંડમાં સામેલ વધુ બે આરોપીઓની અટકાયત

અગ્નિકાંડનો આરોપી ધવલ ઠક્કર ઘટના બાદ ફરાર થઇ ગયો હતો ત્યારે બનાસકાંઠા એલસીબીની ટીમે ધવલ ઠક્કરને આબુ રોડ પર તેના સગાના ઘરેથી ઉપાડી લીધો હતો. સાથોસાથ વેલ્ડિંગના લીધે આગ લાગી હતી ત્યારે વેલ્ડિંગ કરનાર શખ્સ મહેશ રાઠોડની પણ અટકાયત કરી લેવામાં આવી છે. વેલ્ડિંગ કરનાર શખ્સ મહેશ રાઠોડની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી છે. મહેશ રાઠોડ ગઈકાલે પકડાયેલ આરોપી રાહુલ રાઠોડના કાકા છે. ઘટનામાં મહેશ રાઠોડ પણ સામાન્ય રીતે દાજ્યા હતા જેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. હાલ પોલીસ દ્વારા મહેશ રાઠોડની પુછપરછ શરૂ કરવામાં કરવામાં આવી છે અને આજે બપોર સુધીમાં મહેશ રાઠોડની ધરપકડ પણ કરી લેવામાં આવશે.આ ઉપરાંત જે જગ્યા પર ગેમઝોન બનાવવામાં આવેલ હતું તે જગ્યાના માલિક અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજાની પણ ટૂંક સમયમાં અટકાયત કરી લેવામાં આવે તેવી માહિતી મળી રહી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.