ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે ભારે વરસાદમાં તારાજી ન સર્જાય તે માટે તકેદારીનાં ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરનાં ત્રણેય ઝોનમાં અંદાજે ૧૯૯૩ ભયગ્રસ્ત મિલકતોને નોટીસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મિલકતોમાં મોટાભાગે ગુજરાત હાઉસીંગ બોર્ડ કેરલ હાઉસીંગ બોર્ડનાં કવાર્ટરનો જ સમાવેશ થાય છે જે વર્ષોથી રીનોવેશન કે રીપેર કરવામાં આવ્યા ન હોવાનાં કારણે હજારો લોકોનાં માથે મોત ઝળુંબી રહ્યું છે.
દર વર્ષે ચોમાસાની સીઝન પૂર્વે મહાપાલિકાની બાંધકામ શાખા દ્વારા જોખમકારક અને જર્જરીત મિલકતોને નોટીસ ફટકારે છે પરંતુ માલિક અને ભાડુઆતનાં વિવાદ, સરકારી આવાસ યોજનાનાં કારણે જર્જરીત મિલકતોને અપાયેલી નોટીસનો હેતુ કયારેય શરતો નથી અને હજારો લોકો દર વર્ષે ચોમાસાની સીઝન જીવનાં જોખમે પસાર કરે છે. શહેરનાં સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં વોર્ડ નં.૧૪ અને ૧૭માં કોઠારીયા રોડ પર નિલકંઠ સિનેમાની સામે આવેલા આનંદનગર હુડકો કવાર્ટરનાં ૧૫૦ જેટલા ફલેટને નોટીસ આપવામાં આવી છે. આ ઉપરાંત વોર્ડ નં.૭માં મોટી ટાંકી ચોકમાં ઓરબીટ હાઉસ, રઘુવીરપરા શેરી નં.૪માં લાબેલા ગાંઠીયાની સામે આવેલો ડેલો, નવા ઘી કાંટા રોડ પર ભારમલ શેરીમાં મુસાજી મંદિર, સદરમાં હનુમાનજીનાં મંદિરની સામે આવેલ ધોબી શેરી અને જામનગરનાં ઉતારા સામે કબીર શેરી સહિત પાંચ જર્જરીત અને ભયજનક મિલકતને નોટીસ ફટકારવામાં આવી છે. ઈસ્ટ ઝોન વિસ્તારમાં વોર્ડ નં.૧૬માં દુધસાગર રોડ પર ગુજરાત હાઉસીંગ બોર્ડનાં ૭૪૪ ફલેટને નોટીસ અપાઈ છે. જયારે વેસ્ટ ઝોનમાં યુનિવર્સિટી રોડ પર શહિદ ભગતસિંહ ગાર્ડન સામે આવેલા કેરલ હાઉસીંગ બોર્ડનાં ૭૯૪ફલેટ અને અમીન માર્ગ પર હિંગળાજનગરમાં ૩૦૦ જેટલા મકાનોને જીપીએમસી એકટની કલમ ૨૬૪ મુજબ નોટીસ ફટકારી ચોમાસાની સિઝનમાં કોઈ જાનહાની ન થાય તે માટે મિલકતનો જર્જરીત ભાગ તાત્કાલિક રીપેર કરવા આદેશ આપવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ચોમાસાની સીઝન પૂર્વે આવી નોટીસો આપવામાં આવે છે પરંતુ જર્જરીત મિલકતોમાં મોટાભાગે મકાન માલિક અને ભાડુઆતનો વિવાદ ચાલતો હોય છે જેમાં ભાડુઆત રીપેરનો ખર્ચ ઉઠાવી શકે તેટલી ક્ષમતા ધરાવતો હોતો નથી અને મકાનમાલિક પોતાની મિલકત સલામત ન હોવાથી રીપેરીંગ કરાવતા નથી. બીજા કેસમાં હાઉસીંગ બોર્ડ કેરલ હાઉસીંગ બોર્ડ સહિતની સરકારી આવાસ યોજનામાં પણ રીપેરીંગ માટે તંત્ર કે રહેવાસીઓ તૈયાર થતા નથી એટલે નોટીસની પ્રક્રિયા માત્ર એક ફોર્માલીટી બની રહે છે. હજારો લોકો પર દર વર્ષે મોતનું જોખમ ઝડુબતું રહે છે.