રેસકોર્સ રીંગ રોડ ફરતે આકર્ષક રોશની ગોઠવાશે: થીમ પર યોજાશે દિવાળી કાર્નિવલ: ૧૮મીએ ૧૦ સ્ટેજ સાથે મુખ્ય કાર્નિવલ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી ૧૬ થી ૧૮ ઓકટોબર દરમિયાન રેસકોર્સ રીંગ રોડ ખાતે ભવ્યાતિ ભવ્ય દિવાળી કાર્નિવલ યોજવામાં આવશે. જેમાં રીંગ રોડ ફરતે આકર્ષક રોશની ગોઠવવામાં આવશે. કાર્નિવલ મુખ્ય ૬ થીમ પર આધારીત રહેશે.આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીએ જણાવયું હતું કે, મહાપાલિકા દ્વારા ચાલુ સાલના બજેટમાં દિવાળીના તહેવારમાં કાર્નિવલ યોજવા માટે નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે. રાજકોટવાસીઓને કંઈક નવું મળી રહે તે માટે આગામી ૧૬ થી ૧૮ ઓકટોબર એટલે કે વાઘબારસથી કાળી ચૌદશ સુધી રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે દિવાળી કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ દિવસ સમગ્ર રેસકોર્સ રીંગ રોડ પર નયનરમ્ય રોશની ગોઠવવામાં આવશે. દિવાળી કાર્નિવલ ૬ થીમ પર આધારીત રહેશે. જેમાં સફાઈ, સ્પોર્ટસ અને દાન સહિતની થીમનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગ્રાઉન્ડ ખાતે રંગવર્લ્ડ, ફુડઝોન, કાર્ટુન કેરેકટર અને સાઈકલીંગ જેવી સુવિધાઓ રાખવામાં આવશે. ૧૮મીએ મુખ્ય કાર્નિવલ યોજાશે. જેમાં રેસકોર્સ રીંગ ફરતે ૧૦ સ્ટેજ ઉભા કરવામાં આવશે. જયાં સંગીત સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે. હાલ દિવાળી કાર્નિવલ માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ કાર્નિવલમાં આશરે ૨૦ થી ૨૫ લાખ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. જેના માટે સ્પોન્સરો શોધી કાઢવામાં આવશે.તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, મહાપાલિકા દ્વારા દિવાળીના તહેવારમાં દર વર્ષે ધનતેરસના દિવસ માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આતશબાજી યોજવામાં આવે છે. જે રાજકોટવાસીઓમાં ખુબ જ લોકપ્રિય બની છે. ત્રિ-દિવસીય દિવાળી કાર્નિવલમાં આ આતશબાજીનો પણ સમાવેશ કરી લેવામાં આવશે. ટુંકમાં રાજકોટવાસીઓને દિવાળીના તહેવારની રંગત અને ઉત્સાહ બમણો કરવાનો ઉદેશ આ કાર્નિવલનો રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.