31મી મેએ વેરા વળતર યોજના પૂર્ણ: 257559 પ્રમાણીક કરદાતાઓએ વેરા પેટે રૂ. 181.30 કરોડ જમા કરાવ્યા
કોર્પોરેશનને શુક્રવારે એક જ દિવસમાં વેરા પેટે રેકોર્ડ બ્રેક રૂ. 18.70 કરોડની વસુલાત થવા પામી છે. હાલ ચાલતી વેરા વળતર યોજના 31મી મેના રોજ પૂર્ણ થશે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ નવા નાણાકીય વર્ષના શરૂઆતના તબક્કાથી જ વેરા વસુલાત ઝુંબેશ મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલના આદેશ તથા નાયબ મ્યુનિસિપલ કમિશ્નર ચેતન નંદાણીના નેતૃત્વમાં હાથ ધરવામાં આવી છે.
જેમાં રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખાના સહાયક કમિશનર સમીર ધડુકના માર્ગદર્શનમાં ઝુંબેશના રૂપમાં મિલકત વેરા વસુલાતની કામગીરી કરવામાં આવી રહી છે. જે અન્વયે વિવિધ સરકારી વિભાગો તેમજ ત્રણેય ઝોન કક્ષાએ મેનેજર-ટેક્ષ દ્વારા શહેરમાં વેરા વસુલાતની કામગીરી દરમ્યાન ગઇકાલે એક જ દિવસમાં અંદાજીત રૂ. 18.70 કરોડ વિક્રમી વેરાની વસુલાત થઇ છે.
દરમ્યાન 257559 કરદાતાઓએ રૂ.181.30 કરોડનો વેરો ભરપાઈ કર્યો છે. આ વેરા વસુલાત ઝુંબેશ દરમ્યાન શહેરના વિવિધ સ્થળોએ રહેલા મોબાઇલ ટાવરના ટેક્સ પેટે રૂ.6.64 કરોડની વસુલાત થઇ છે. જયારે હાઈ વેલ્યુ ટેક્સ પેયર પાસેથી રૂ.8.90 કરોડના વેરાની રકમ વસુલ કરવામાં આવેલ છે.
હાલ અર્લી બર્ડ ડિસ્કાઉન્ટ સ્કીમ ચાલી રહી છે જે અન્વયે 31-મે સુધીમાં એડવાન્સ વેરો ભરપાઈ કરનાર કરદાતાને મળવાપાત્ર મહત્તમ 22% ડિસ્કાઉન્ટ મેળવવા મ્યુનિસિપલ કમિશ્નરશ્રી આનંદ પટેલ દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
કોને કેટલો વેરો ભર્યો ?
મોબાઇલ ટાવર 6.64 કરોડ
ગર્વમેન્ટ એન્જી.કોલેજ 53 લાખ
અન્ય હાઇ વેલ્યુ ટેક્ષ પેયર 8.90 કરોડ
બી.કે મોદી 13 લાખ
ગર્વમેન્ટ લેબ 49 લાખ
એ.વી.પી.ટી 33 લાખ
પશ્ચિમ મામલતદાર 50 લાખ
વોકહાર્ટ હોસ્પિટલ 20 લાખ
જેરામ ઓટો મોલસ રિયાલિટીસ 3 લાખ
એસ.આર.પી કેમ્પ ઘંટેશ્વર 25 લાખ
કુલ રૂ.18.70 કરોડ