ટેક્સ બ્રાન્ચના રેકોર્ડ પર નોંધાયેલા 907 પ્રાઇવેટ એજ્યુકેશન ઇસ્ટીટ્યુટ અને 134 ગ્રાન્ટેડ શાળા-કોલેજોને વ્યવસાય વેરો ભરવા કડક તાકીદ

ગત 19મી મેના રોજ કોર્પોરેશનમાં મળેલી જનરલ બોર્ડની બેઠકમાં શાળા-કોલેજોના બાંધકામ, ટેક્સ સહિતના મુદ્ે વિરોધ પક્ષે હંગામો મચાવ્યા બાદ પ્રથમવાર તંત્ર હરકતમાં આવ્યું છે. 1041 શાળા-કોલેજોને પ્રોફેશનલ ટેક્સ ભરવા માટે નોટિસ ફટકારવામાં આવી છે. નોટિસ મળ્યાના સાત દિવસમાં કેવાયસી અપડેટ કરવા કે રજીસ્ટ્રેશન કરવા માટે કડક તાકીદ કરવામાં આવી છે. છતાં જો શાળા-કોલેજો દ્વારા પ્રોફેશનલ ટેક્સ ભરવામાં નહીં આવે તો ટેક્સ બ્રાન્ચના રેકોર્ડ પર નોંધાયેલી 907 ખાનગી શૈક્ષણિક સંસ્થા અને 134 ગ્રાન્ટેડ શાળા-કોલેજોને ડિમાન્ડ નોટિસ ફટકારવામાં આવશે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ જનરલ બોર્ડમાં શાળા-કોલેજોના બાંધકામ અને બાકી વેરા સહિતનો મુદ્ો ગાજ્યા બાદ મ્યુનિ.કમિશનર અમિત અરોરાની સૂચનાના પગલે ટેક્સ બ્રાન્ચ હરકતમાં આવી ગઇ છે. મિલકત વેરો ભરતી ખાનગી શૈક્ષણિક સંસ્થા કે જેમાં પ્લે હાઉસ, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઉચ્ચત્તર માધ્યમિક શાળા-કોલેજ, ટ્યુશન ક્લાસનો સમાવેશ થાય છે. તેવી 907 મિલકત અને ગ્રાન્ટેડ હોય તેવી 134 સહિત 1041 મિલકતોને પ્રોફેશનલ ટેક્સ અંગે નોટિસ ફટકારવામાં આવી છે.

પ્રોપર્ટી ટેક્સનો નંબર એક હોય તેવા કિસ્સામાં આવા બિલ્ડીંગમાં મલ્ટીપલ સંસ્થાઓ પણ ચાલતી હોવાની સંભાવના છે. માટે આ આંકડો વધી શકે છે. શાળા-કોલેજોએ વ્યવસાય વેરામાં બે પ્રકારનું રજીસ્ટ્રેશન કરાવવું પડે છે. જેમાં ઇસી અર્થાત પેઢી કે સંસ્થા અને આરસી એટલે કે સંસ્થામાં કામ કરતા કર્મચારીઓનો પ્રોફેશનલ ટેક્સ ભરવાનો રહે છે. જે શાળા-કોલેજો નિયમીતપણે વ્યવસાય વેરો ભરપાઇ કરે છે તેનો પોતાના રજીસ્ટ્રેશનનો કેવાઇસી અપડેટ કરવા તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત આરસી અને ઇસી નંબર પ્રોપર્ટી ટેક્સના નંબર સાથે લીક કરાવવા પણ જણાવવામાં આવ્યું છે.

બેંક, નાણાકીય સંસ્થા, ગેરેજ, સર્વિસ સેન્ટર, ખાનગી હોસ્પિટલ, ટ્રસ્ટની હોસ્પિટલ, મોલ અને સિનેમા સહિત કુલ 4210 આસામીઓને પ્રોફેશનલ ટેક્સ અંગે નોટિસ ફટકારવામાં આવી છે. બીજા તબક્કામાં 21800 ઔદ્યોગીક ઇન્ડસ્ટ્રીઝ અને 1.02 લાખ કોમર્શિયલ મિલકતોને વ્યવસાય વેરા અંગેની નોટિસ ફટકારવામાં આવશે.

શાળા-કોલેજના 491 બિલ્ડીંગોમાં ટીપી શાખાએ સર્વે શરૂ કર્યો

શહેરમાં 491 બિલ્ડીંગોમાં 898 શાળા-કોલેજો ધમધમી રહી છે. જે પૈકી અનેક શાળા-કોલેજો સરકારી ખરાબાની જમીન કે સૂચિત સોસાયટીમાં ધમધમતી રહી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. કેટલીક શાળા-કોલેજોએ પાર્કિંગમાં પણ ગેરકાયદે દબાણો ખડકી દીધા છે. જો કે, ઇમ્પેક્ટથી ભરીને મોટાભાગની સંસ્થાઓ દ્વારા નિયમીત કરી દેવામાં આવ્યા છે. ટીપી શાખા દ્વારા 491 બિલ્ડીંગોમાં ધમધમતી 898 શાળા-કોલેજોમાં બિલ્ડીંગ પ્લાન્ટ સહિતના મુદ્દે સર્વે ચાલુ કરી દીધો હોવાનું જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.