ફર્સ્ટ ફલોરનો સ્લેબ તોડયો: અરજદારે વધારાનું બાંધકામ દુર કરવાની બાંહેધરી આપતા પાંચ દિવસની મુદત
શહેરના જંકશન પ્લોટ શેરી નં.૧૫/૩માં એક વ્યકિત દ્વારા કોર્પોરેશનની કોઈપણ પ્રકારની મંજુરી લીધા વિના હયાત મકાનમાં ફેરફાર કરી માર્જીન છોડયા વગર રોડની ધારો ધાર નવું બાંધકામ શરૂ કરી લીધું હોવાની ફરિયાદ મળતા આજે ટાઉન પ્લાનીંગ શાખા ત્રાટકી હતી.
ફર્સ્ટ ફલોરના સ્લેબમાં તોડફોડ કર્યા બાદ મકાન માલિકે બાંધકામ સ્વૈચ્છાએ દુર કરવાની બાંહેધરી આપતા પાંચ દિવસની મુદત આપવામાં આવી છે.
આ અંગે વધુ માહિતી આપતા એટીપી પરેશ અઢીયાએ જણાવ્યું હતું કે, વોર્ડ નં.૩માં જંકશન પ્લોટ શેરી નં.૧૫/૩માં સિંકદરભાઈ સીદી દ્વારા કોઈપણ પ્રકારની મંજુરી લીધા વગર સ્થાનિક હયાત મકાનમાં ફેરફાર કરી જરૂરી માર્જીન છોડયા વગર રોડની ધારોધાર બાંધકામ શરૂ કરી દીધું હતું.
કોર્પોરેશન દ્વારા અગાઉ કલમ ૨૬૦(૧)ની નોટિસ આપવામાં આવી હતી છતાં બાંધકામ ચાલુ રાખતા ગત ૨૪મી ઓગસ્ટના રોજ કલમ ૨૬૦(૨) હેઠળ નોટિસ આપવામાં આવી હતી છતાં બાંધકામ દુર કરવા માટે કોઈ જ કાર્યવાહી ન કરતા આજે સેન્ટ્રલ ઝોન કચેરીની ટીપી શાખા ત્રાટકી હતી અને ફર્સ્ટ ફલોરમાં સ્લેબમાં તોડ કામ કરી બાંધકામ બિનઉપયોગી કરી દેવામાં આવ્યું હતું.
દરમિયાન મકાનમાલિક સિકંદરભાઈ સીદીએ વધારાનું ગેરકાયદેસરનું બાંધકામ દુર કરવાની બાંહેધરી આપતા પાંચ દિવસની મુદત આપવામાં આવી છે.