‘નલ સે જલ’ યોજના અંતર્ગત ભૂતિયા રેગ્યુલાઈઝ કરવાનો જીઆર સરકારમાંથી આવી ગયો: કોર્પોરેશનની ટીમ એરિયાવાઈઝ ઘુમશે, અનઅધિકૃત જોડાણ નિયમીત કરવાની અરજીઓ પણ ડોર ટુ ડોર સ્વીકારાશે

‘નલ સે જલ’ યોજના અંતર્ગત માત્ર રૂા.૫૦૦ વસુલી ભૂતિયા નળ જોડાણ નિયમીત કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમીટીમાં ઠરાવ કરાયા બાદ આજે સરકારમાંથી પણ આ અંગેનો જીઆર આવી ગયો છે. શહેરના ૧૮ વોર્ડમાં અંદાજે ૨૦ હજાર જેટલા ભૂતિયા નળ જોડાણો હોવાનો અંદાજ છે તે તમામને એક જ મહિનામાં નિયમીત કરવાના લક્ષ્યાંક સાથે કોર્પોરેશન દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે. આ માટે આગામી એક બે દિવસમાં જ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, સરકારની ‘નલ સે જલ’ યોજના અંતર્ગત અનઅધિકૃત નળ જોડાણ માત્ર રૂા.૫૦૦ વસુલી નિયમીત કરી આપવા માટેની જાહેરાત કરવામાં આવી છે. મહાપાલિકા દ્વારા હાલ નિયત કરાયેલા ચાર્જીસ ઉપરાંત વધારાના રૂા.૩૦૦૦ વસુલી ભૂતિયા નળ જોડાણ નિયમીત કરી આપવામાં આવે છે. દરમિયાન તાજેતરમાં મળેલી સ્ટેન્ડિંગની બેઠકમાં આગામી ૩૧મી ડિસેમ્બર સુધી નિયત કરાયેલા ચાર્જ ઉપરાંત માત્ર રૂા.૫૦૦ વધુ વસુલી ભૂતિયા નળ જોડાણ રેગ્યુલાઈઝ  કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. ‘નલ સે જલ’ યોજનાનો જીઆર કોર્પોરેશનને મળી ગયો છે. શહેરના ૧૮ વોર્ડમાં આશરે ૨૦ હજાર જેટલા ભૂતિયા નળ જોડાણ છે જે એક જ મહિનામાં નિયમીત કરવાના લક્ષ્યાંક સાથે કોર્પોરેશન દ્વારા કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ભૂતિયા નળ જોડાણ નિયમીત થાય અને પાણી વેરા પેટે કોર્પોરેશનને થતી આવકમાં પણ વધારો થાય તે માટે અલગ અલગ ટીમ બનાવી અલગ અલગ વોર્ડમાં ફરશે જે લોકોને આ યોજના અંગે પુરી માહિતી પણ આપશે. જરૂર પડ્યે ‘નલ સે જલ’  યોજના અંતર્ગત ભૂતિયા નળ નિયમીત કરવાની અરજી પણ આ ટીમ દ્વારા ડોર ટુ ડોર સ્વીકારવામાં આવશે. આ યોજનાને સફળ બનાવવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.