ઘોડા છુટી ગયા બાદ તબેલાને તાળા…
સામાન્ય કરતા કોરોનાનો નવો સ્ટ્રેઈન ૭૦ ટકા વધુ તીવ્ર
યુકેમાં એક જ દિવસમાં ૫૩,૧૩૫ નવા કેસ નોંધાયા
કોરોના મહામારીના કારણે વિશ્વ આખામાં ફફડાટ છે. રસીને લઈને પણ અસમંજસતા ઊભી થઈ છે. આવી સ્થિતિમાં બ્રિટનમાં જોવા મળેલા કોરોના વાયરસના નવા પ્રકારના કારણે વધુ હોય વ્યાપ્યો છે. ત્યારે ભારતમાં બ્રિટનથી આવેલા કેટલાક યાત્રિકોને કોરોનાના નવા સ્ટ્રેઇનનો ચેપ લાગ્યો હોવાનું બહાર આવતા તંત્ર ધંધે લાગ્યું છે. આવા યાત્રિકોને શોધવા માટે ’ઘોડા નાસી ગયા બાદ તબેલાને તાળા’ જેવો ઘાટ ઘડાયો છે.
થોડા સમય પહેલા દેશના કેટલાક રાજ્યોમાં બ્રિટનથી આવેલા પ્રવાસીઓ કોરોનાનો નવો સ્ટ્રેઇન લઈને આવ્યા હોવાની દહેશત વ્યાપી હતી પરિણામે આવા પ્રવાસીઓને શોધીને તેનો ઉપચાર કરવા માટે તંત્ર ધંધે લાગ્યું હતું. હવે આંધ્ર પ્રદેશમાં પણ હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આંધ્રપ્રદેશમા દિલ્હી એરપોર્ટ ખાતે ઉતરેલી એક મહિલા પ્રવાસીને કોરોનાના નવા સ્ટ્રેઇનનું સંક્રમણ લાગ્યું હોવાનું બહાર આવ્યું હતું. આ મહિલા પ્રવાસી દિલ્હી એરપોર્ટે હેલ્થ ઑથોરિટીને થાપ આપી દેશમાં પ્રવેશી ગઇ હતી.
છેલ્લા પંદર દિવસમાં યુકેમાંથી આવેલા પ્રવાસીઓને શોધવા માટે યુદ્ધના ધોરણે કામ થઇ રહ્યું છે. પુના ખાતેથી પણ સિવિક બોડી ૧૦૯ યાત્રીકોને શોધી રહી છે. રાજકોટમાં પણ બ્રિટીશ નાગરીકોને શોધવા માટે તંત્રએ કમરકસી હતી.
ઓરિસ્સામાં પણ આવી સ્થિતિ ઉભી થઇ છે. જ્યાં ભુવનેશ્વર કોર્પોરેશન દ્વારા યુકેમાંથી આવેલા ૭૪ નાગરિકોને શોધવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મુંબઈ-પુના રોડ વચ્ચે ટ્રેસિંગ કામગીરી ચાલુ છે.
દેશમાં ધીમીગતીએ ઘણા રાજ્યોમાં કોરોનાનો નવો સ્ટ્રેન ફેલાય તેવી ભીતી છે જેના પગલે તંત્ર દ્વારા આવા સંક્રમિત પ્રવાસીઓને શોધીને તેમનો ઈલાજ કરવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ગુજરાત, ઔરિસ્સા, આંધ્રપ્રદેશ અને દિલ્હી સહિતના રાજ્યોમાં નવા સ્ટ્રેનના ફફડાટના પગલે તંત્ર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે.
યુકેમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેઇન વચ્ચે પોઝિટિવ કેસોની સંખ્યા પણ ચિંતાજનક બનતી જાય છે. બ્રિટનમાં એક જ દિવસમાં નવા ૫૩૧૩૫ લોકો કોરોના પોઝિટિવ આવ્યા હોવાની વિગતો બહાર આવી છે. સતત કોરોના વાયરસના કેસ વધતા યુકે સરકાર ધંધે લાગી છે. બે દિવસ પહેલા ૪૧૩૮૫ નવા કેસ નોંધાયા હતા. અત્યાર સુધીમાં યુકેમાં કોરોનાના કારણે ૭૧૫૬૭ કેસ નોંધાયા હતા.
દરમિયાન યુએઈ દ્વારા પણ પ્રવાસીઓના વિઝાની વેલીડીટી એક મહિના માટે વધારી દેવામાં આવી છે. કોરોના કાળ દરમિયાન યુએઈ જતા પ્રવાસીઓની સંખ્યા ઘટી ગઇ હતી. જોકે, મહામારીમાં તકેદારીઓ અને તીવ્રતા ઓછી થતા યુએઇમાં પ્રવાસીઓની સંખ્યા વધી હતી આવી સ્થિતિમાં યુએઇ દ્વારા વિઝાની સમયમર્યાદા એક મહિના સુધી વધારવામાં આવી છે. જેનાથી વર્તમાન સમયે યુએઈમાં રહેલા પ્રવાસીઓ અને તેમના પરિવારજનો નવા વર્ષની રજાઓ ગાળી શકશે. અત્યારે ઘણા બધા દેશોએ પોતાના એરપોર્ટ ઉપર પ્રવાસીઓ માટે સખ્ત પ્રતિબંધ મૂકી દીધા છે ત્યારે યુએઈ દ્વારા પ્રવાસીઓ માટે અનુકુળ સ્થિતિ ઉભી કરવામાં આવી છે. કોવિડ મહામારી દરમિયાન આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે એરપોર્ટ ખોલનાર દુબઈ સૌપ્રથમ શહેરો પૈકીનું એક હતું. અબુધાબી દ્વારા પણ ગત અઠવાડિયે પ્રવાસીઓ માટે દ્વાર ખોલી નાખવામાં આવ્યા હતા. નવા વર્ષની ઉજવણીને લઇને મોટા ભાગના પ્રવાસીઓ યુએઈ દુબઈ કે અબુધાબી જેવા સ્થળોએ પહોંચે છે આવા પ્રવાસીઓ અર્થતંત્રમાં મહત્વનો ભાગ ભજવે છે. જેથી કેટલીક સ્થિતિમાં આવા દેશો દ્વારા વિઝાને લઈ કેટલીક છૂટછાટ આપવામાં આવી છે.