અબતક, નવી દિલ્હી
છેલ્લા દોઢેક વર્ષથી ટચુકડો એવો કોરોના વિશ્વ આખાને હચમચાવી રહ્યો છે. કાકીડાની જેમ કલર બદલતા કોરોનાએ તો સૌ કોઈને હેરાન કરી મૂક્યા છે. જાણે વિજ્ઞાન અને નિષ્ણાતો પણ પાછા પડી રહ્યા હોય તેમ હજુ સુધી કોરોનાને સંપૂર્ણપણે ઓળખી શકાયો નથી. વાયરસનું હજુ એક રૂપ માંડ માંડ સમજમાં બેસે છે ત્યાં નવું સ્વરૂપ આવી જાય છે. રંગ બદલતા કોરોનાએ રસીને પણ ઉંધે રવાડે ચડાવી દીધી છે..!!
અત્યાર સુધીનું સામાન્ય અવલોકન અને તારણ એવું છે કે રસી લેવી એટલા માટે જરૂરી છે કે રસી લીધા બાદ શરીરમાં કોરોના વિરુદ્ધના એન્ટીબોડી ઉત્પન્ન થાય છે. અને આનાથી રોગપ્રતિકારક શક્તિ વધતા વાયરસનો સામનો કરવા માટે આપણું શરીર વધુ મજબૂત બને છે. પરંતુ વાયરસ વિરોધી આ એન્ટીબોડી ક્યાં સુધી શરીરમાં ટકી શકે..?? એન્ટીબોડીના આયુષ્ય વિશે વધુ એક અહેવાલ સામે આવ્યો છે. રીબો ન્યુક્લિક એસિડ એટલે કે આર.એન.એ બેઝડ વિકસાવવામાં આવેલી રસીના શોધકર્તા અને પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ અભ્યાસ કરી જણાવ્યું છે કે કોઈપણ રસી લીધા બાદ શરીરમાં એન્ટીબોડીનું આયુષ્ય સરેરાશ છ મહિના સુધી રહે છે.
હવે આ છ મહિના પછી શું..?? સંશોધકોએ જણાવ્યું કે છ મહિના બાદ રોગ પ્રતિકારક શક્તિ ક્ષીણ થતી જાય છે. જેમ જેમ આપણી રોગપ્રતિકારક શક્તિ ધોવાઈ જાય તેમ તેમ કોરોનાનો ખતરો વધુ મંડરાતો જાય છે. પેન્સિલ્વેનિયા યુનિવર્સિટી ની મેડિસન સ્કૂલ દ્વારા ૬૧ લોકો પર સર્વે કરવામાં આવ્યો હતો. આ ૬૧ લોકોને આર.એન.એ રસી આપ્યા બાદ તેમની રોગપ્રતિકારક શક્તિનું સતત છ મહિના સુધી અવલોકન કરવામાં આવ્યું હતું. ઈમ્યુનોલોજી ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર જોન વેરીએ જણાવ્યું કે આ એક આશ્ચર્યજનક પણ છે. કે રસી લીધા બાદ ઇમ્યુનિટી બુસ્ટ થતી પણ નથી. આથી જ ઘણા લોકો ત્રીજો ડોઝ અથવા બુસ્ટર ડોઝ આપવાનું વિચારી રહ્યા છે.
સંશોધક જ્હોન વેરીએ કહ્યું કે, જો કે ગભરાવવાની જરૂર નથી. ઇમ્યુનિટી ક્ષીણ થઈ રહી હોવા છતાં ત્રીજા ડોઝ એન્ટિબોડીઝને મજબૂત બનાવવાનું અને લાંબા સમય સુધી જઅછજ-ઈજ્ઞટ-૨ને અવરોધિત કરવા માટે કામ કરશે. જ્યારે એન્ટીબોડીનું સ્તર ઘટી રહ્યું હોય ત્યારે પણ શરીરને કોરોના સામે બચાવવા માટે આપણી કોશિકાઓ કાર્યરત હોય જ છે. અભ્યાસ પરથી વેરીના ગ્રપને જાણવા મળ્યું કે મોર્ડેના ઇન્ક અને ફાઇઝર ઇન્ક અને તેના ભાગીદાર બાયોએન્ટેક એસઇ દ્વારા બનાવેલી આર.એન.એ રસીઓ દ્વારા પેદા થયેલ મેમરી બી કોશિકાઓ કોવિડના હળવા કેસના પ્રતિભાવમાં ઉત્પન્ન થયેલા કરતા આલ્ફા, બીટા અને ડેલ્ટા સહિતના વાયરસ ચલોને અવરોધિત કરવામાં વધુ સારી રીતે પ્રદર્શન કરી શકે છે.
આમ, શરીરમાં કોરોના સામે એન્ટિબોડીઝનું સ્તર વધારી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે રસી લેવી હિતાવહ ગણાય છે. પરંતુ બદલતા જતાં કોરોનાના કલરે રસીને પણ ઊંઘે રવાડે ચડાવી દીધી હોય તેમ અસરકારકતા ઝાંખી પડી રહી છે.