કોરોનાને કારણે વિશ્વભરમાં હાહાકાર મચી ગયો છે. આર્થિક, સામાજિક એમ તમામ ક્ષેત્રે કોવિડ-19 મહામારીની ગંભીર, વ્યાપક અસર ઉપજી છે. એમાં પણ કોરોના વાયરસની બીજી લહેર અતિઘાતકી સાબિત થતા કેસની સાથે મૃત્યુ દર પણ વધ્યો છે. કોરોનાને કારણે અર્થતંત્રને ફરી એકવાર મોટો ઝટકો પડ્યો છે. નીતિ આયોગે આ તરફ ચિંતા જતાવી ચેતવણી આપી છે કે કોવિડની બીજી લહેર અર્થતંત્રને ફરી
જોખમમાં મૂક્યું છે. અર્થતંત્ર પુન: અનિશ્ચિતતા તરફ ધકેલાઈ રહ્યું છે. જે તરફ સરકારે ધ્યાન દોરી મહત્વના નિર્ણયો લેવા અનિવાર્ય બની ગયું છે. નીતિ આયોગના વાઈસ ચેરમેન રાજીવ કુમારે જણાવ્યું કે, કોરોનાના ભરડા અને તેની વ્યાપક અસરોમાંથી અર્થતંત્રને બચાવવા સરકારે જરૂર પડ્યે રાજકોષીય પગલાં ભરવા જોઈએ.
નીતિ આયોગના વાઇસ ચેરમેન, રાજીવ કુમારે કહ્યું કે દેશની સામે ઘણી અનિશ્ચિતતા છે. અને જો જરૂર પડે તો સરકારે નાણાકીય પગલાની જાહેરાત કરવી જોઈએ. હાલ, ગ્રાહક અને રોકાણોની બાબતમાં દેશને વધુ અનિશ્ચિતતા માટે તૈયાર રહેવાની જરૂર છે. જો કે 31, માર્ચ 2022ના વર્ષમાં અર્થતંત્રની વૃદ્ધિ 11 ટકા રહે તેવી સંભાવના છે.
જણાવી દઇએ કે કોરોના રોગચાળાની પ્રથમ લહેરમાં સરકારે 20 લાખ કરોડ રૂપિયાના જંગી રાહત પેકેજની જાહેરાત કરી હતી. નીતિ આયોગના વાઈસ ચેરમેન રાજીવ કુમારે ચેતવતા કહ્યું કે, કોરોનાવાયરસના વધતા જતા કહેરને કારણે સ્થિતિ પહેલા કરતાં વધુ મુશ્કેલ બની ગઈ છે. કોરોના સંક્રમણની વધતી જતી સંખ્યાની સાથે, દેશમાં પણ મૃત્યુની સંખ્યા પણ વધી છે. આને કારણે, વિવિધ રાજ્ય સરકારોને લોકોની હિલચાલ અને વિવિધ પ્રતિબંધો મૂકવાની ફરજ પડી રહી છે. આ વખતે પરિસ્થિતિ વધુ ખરાબ બની છે.સેવા ક્ષેત્ર સહિતના ઘણા ક્ષેત્રો પર કોરોના રોગચાળાની સીધી અસર ઉપરાંત આર્થિક પ્રવૃત્તિઓ પર પણ તેની પરોક્ષ અસરો જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં, ગ્રાહકો અને રોકાણકારો બંનેએ તૈયાર રહેવાની જરૂર છે.