કોરોના વાયરસની ઘાતકી સાબિત થયેલી બીજી લહેર હવે નિયંત્રિત થઈરહી હોય તેમ કેસમાં સદંતર ઘટાડો નોંધાયો છે તો સામે રીકવરી રેટમાં પણ જબરદસ્ત ઉછાળો નોંધાઈ રહ્યો છે. વકરતા કોરોનાએ દર્દીઓમાં ‘પ્રાણવાયુ’ પૂરવા તંત્ર સહિત લોકોને દોડતા કરી દીધા હતા. રેમડેસિવિર ઈન્જેકશન, ઓકિસજન તેમજ બેડ માટે લોકો આમતેમ ભટકી રહ્યા હતા. ઉપરની આ બંને તસ્વીર રેમડેસિવિર માટે લોકોની લાઈનની સ્થિતિનો ચિતાર રજૂ કરે છે. અઠવાડિયા પહેલા લોકો રેમડેસિવિર માટે લાંબી કતારમાં હતા પરંતુ હાલ આ લાઈન ઘટી ગઈ છે. કોરોના સામે અસ્ત્ર ગણાતા રેમડેસિવિરની લાઈનો વચ્ચે પણ કોરોનાના ઘટયો તે ઈન્જેકશન વગર ઘટી ગયો એટલે કે લોકોના સંયમ અને સ્વયમ શિસ્તએ કેસ ઘટાડી કોરોનાને ભગાડયો.
ઉલ્લેખનીય છે કે છેલ્લા દોઢ બે માસથી કોરોનાની પરિસ્થિતિ બેકાબૂ બનતા આરોગ્ય સેવાની પણ ઘટ ઊભી થઈ હતી. ઠેર-ઠેર હોસ્પિટલોમાં બેડ ખુટતા દર્દીઓ હોસ્પિટલની બહાર લાઈનોમાં રઝળતા જોવા મળી રહ્યા હતા. તો આ સાથે રેમડેસીવીર ઈન્જેક્શન, ઓક્સિજનની પણ અછત સર્જાતા સ્વાસ્થ્ય કટોકટીની સ્થિતિ ઊભી થઇ હતી પરંતુ ઘણા રાજ્યો અને સંઘ પ્રદેશોમાં હવે કોરોનાની બીજી લહેર નિયંત્રત થતા પરિસ્થિતિ અંકુશમાં આવી રહી છે. હાલ મહારાષ્ટ્ર,ગુજરાત, દિલ્હી,પંજાબ ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં કેસ ઘટતા નોંધાઈ રહ્યા છે. દૈનિક નવા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.