પંડિત ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી ઉપર સવાલો ઉઠાવનાર ડો. પુરુષોત્તમ પીપરિયા હવે કોઈ નિવેદનો નહી આપે, આયોજકો યોગીન છનિયારા સહિતના સાથે યોજાયેલી બેઠકમાં સમાધાન
રાજકોટમાં બાગેશ્વર બાબાના દિવ્ય દરબારની જાહેરાત થતા જ જે વિવાદ ઉઠ્યો હતો તે હવે સમેટાઈ ગયો છે. પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ઉપર સવાલો ઉઠાવનાર ડો. પુરુષોત્તમ પીપરિયા હવે કોઈ નિવેદનો નવી આપે તેવું તેઓએ જાહેર કર્યું છે. આયોજકો યોગીન છનિયારા સહિતના સાથે યોજાયેલ બેઠકમાં આ સમાધાન થયું હોવાનું જાણવા મળ્યું છે.હિન્દુ રાષ્ટ્રના અભિયાનના નારા લગાવતા સનાતન ધર્મના પ્રચારક બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર હવે રાજકોટ શહેરમાં પણ યોજાનાર છે. ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈ આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ દિવ્ય દરબાર તા.1 અને 2 જૂનના રોજ રેસકોર્ષ ખાતે યોજાનાર છે.
આ કાર્યક્રમની જાહેરાત થતા રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંકના સીઈઓ પુરુષોત્તમ પીપળીયાનું નિવેદન સામે આવ્યું હતું. પુરુષોત્તમ પીપળીયાએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર જુદી-જુદી ચાર જેટલી પોસ્ટ મૂકી હતી. જેમાં પુરુષોત્તમ પીપળીયાએ લખ્યું હતું કે, તાંત્રિક બાગેશ્વર બાબા જણાવે કે, રાજકોટમાં ડ્રગ્સ ક્યાંથી આવે છે ને કોના ઇશારે આવે છે? પાંચ લાખનું ઇનામ. જ્યારે કે અન્ય પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, તાંત્રિક બાબા વાઘેશ્વરના રાજકોટના દરબારથી ભારત સહિત વિશ્વના દેશો રાજકોટની જનતાની બુદ્ધિમતા માપી લેશે. સાથે જ ત્રીજી પોસ્ટમાં લખ્યું હતું કે, હિન્દુ ધર્મના ઓઠા હેઠળ સનાતન ધર્મને વિવાદાસ્પદ કરવાના કાવતરામાં રાજકીય પક્ષોએ બિન સનાતનની ફોજ કાર્યરત કરી છે. જ્યારે કે ચોથી પોસ્ટમાં લખ્યું હતું કે, બીલીવ ઓર નોટ? રાજકોટના પ્રમુખ શ્રેષ્ઠિઓએ તાંત્રિક બાબા બાગેશ્વરના આયોજકો!
આ વિવાદ બાદ ડો. પુરુષોત્તમ પીપરિયાની આયોજકો યોગીન છનિયારા અને ભરતભાઇ દોશી સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ જાહેર કરાયુ છે કે રાજકોટના ડો.પુરૂષોત્તમ પીપરીયા પોતે સનાતન ધર્મના ચુસ્ત હિમાયતી છે. ચુસ્ત સનાતની છે અને ભગવાન શિવજીનું મંદિર રાજકોટમાં સંપૂર્ણ સ્વખર્ચે બાંધેલ છે.
બાગેશ્વરધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ આવી રહ્યા છે ત્યારે અંધશ્રદ્ધાને આવરી લઈ તેમણે ફેસબુક ઉપર પોતાના મંતવ્યો મૂકયા હતા. આ બાબતે રાજકોટ મુકામે બાગેશ્વર બાબા પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન કરનાર આયોજક કમીટી તરફથી અમે ડો. પીપરીયા ચુસ્ત સનાતની છે. તે બાબતને હૃદયથી આવકારીએ છીએ.અંધશ્રદ્ધા અંગેના જે મુદ્દો ડો. પીપરીયાએ ઉઠાવ્યો છે તે અંગે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનું બાગેશ્વર ધામ સરકારના મુખ્ય ટ્રસ્ટીઓ, સંયોજકોનું ધ્યાન દોર્યુ છે.
આથી અમો આ 1-2 જૂનના કાર્યક્રમની આયોજક સમિતિના સભ્યો, હોદ્દેદારો ડો. પુરૂષોત્તમ પીપરીયાને આ મુદ્દો ટ્રસ્ટના, આયોજકોના સક્રિય વિચારણા હેઠળ હોઈ, હવે આ પ્રશ્ન અહિં પૂર્ણ થયેલો જાહેર કરીએ છીએ. ડો. પીપરીયા પણ આ બાબતથી સંતુષ્ટ છે અને હાલ તુર્ત કોઈ નિવેદન કરતા નથી તેવું જાહેર કરેલ છે.ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આગામી પહેલી જૂન તેમજ બીજી જૂનના રોજ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે. જે માટેની તડામાર તૈયારીઓ પણ આયોજકો દ્વારા કરવામાં આવી રહી છે.
બાગેશ્વર બાબાને આવકારવા રંગીલું રાજકોટ થનગની રહ્યું છે : યોગીન છનીયારા
આ તકે યોગીન છનીયારાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કેઝ સનાતન હિંદુ ધર્મ માટે આયોજક કમિટી કટીબદ્ધ છે અને તેને લઇ રાજકોટ ખાતે ભવ્ય અને દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવ્ય દરબારમાં ખુબ મોટી સંખ્યામાં હિન્દૂ ધર્મપ્રેમીઓ ઉમટી પડશે. વધુમાં યોગીનભાઈએ જણાવ્યું હતું કે, બધા ધર્મને માન આપવું જરૂરી છે પરંતુ જયારે આપણા પોતાના ધર્મની વાત હોય ત્યારે આપણા ધર્મનો પ્રચાર કરવો જરૂરી છે અને તે આપણી ફરજ પણ છે. તેમણે કહ્યું હતું કે, દિવ્ય દરબારની તૈયારીઓને આયોજક કમિટી દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.