‘કૃષિ મહર્ષિ: પ્રમુખ સ્વામી મહારાજ’ વિષય પર સેમિનાર યોજાયો
વિશ્વ વદનીય સંત પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ નિમિત્તે મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી ભગવાન સ્વામિનારાયણે ચીંધેલા રાહે, માનવ માત્રના સર્વાંગી ઉત્કર્ષ માટે, પોતાના જીવનની ક્ષણે-ક્ષણનું બલિદાન આપનાર, અવિરત વિચરણ કરી ગામેગામ અને દેશ-પરદેશમાં પધરામણીઓ કરી અસંખ્ય લોકોનાં સુખ-દુ:ખના ભાગીદાર બનીને તેમની સાથે આત્મીયતાપૂર્ણ વ્યક્તિગત મુલાકાત આપનાર, લોકસેવાનાં વિરાટ કાર્યોની અવિરત વણઝાર વચ્ચે અહોરાત્ર સેવાકીય પ્રવૃત્તિઓ કરી જીવપ્રાણીમાત્રમાં પરમાત્માનાં દર્શન કરી સેવાનો આનંદ લેતા બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના બહુપરિમાણીય વ્યક્તિત્વને જુદા-જુદા દ્રષ્ટિકોણથી મૂલવતી અને તેઓના દિવ્ય જીવન કાર્યને અર્ઘ્ય આપતી વિવિધ કાર્યક્રમોની શૃંખલાઓ સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે.
“થોડું પણ નક્કર કાર્ય” એવો જીવનમંત્ર ઘૂંટાવીને સંતો-કાર્યકરોને દરેકે દરેકને ખેતરે, વાડીએ કે કૂવે જઇને પેઢીઓ જૂના ખેડૂત માનસમાં કંડારાયેલી રૂઢ માન્યતાઓને ભૂંસીને કૂવામાં પાણી નાખવાનું ભગીરથ કાર્ય સમજાવવા આદેશ આપી તેમણે કરેલાં જળ અને કૃષિલક્ષી અદ્વિતીય કાર્યોને ઉપલક્ષમાં સ.દાં. કૃષિ યુનિવર્સિટી, સરદારકૃષિનગર અને આર્ષ શોધ સંસ્થાન, સ્વામિનારાયણ અક્ષરધામ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે “કૃષિમહર્ષિ” : પ્રમુખસ્વામી મહારાજ એ વિષય પર તા.14ના રોજ પ્રો. વી. આર. મહેતા ઓડિટોરીયમ હોલ ખાતે સવારે 9.30 થી બપોરે 12 દરમ્યાન વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે સ.દાં.કૃ.યુ. સરદારકૃષિનગરના કુલપતિ પ્રો. ડો. આર. એમ. ચૌહાણ, વક્તા તરીકે આર્ષ શોધ સંસ્થાન, સ્વામિનારાયણ અક્ષરધામ, ગાંધીનગરના નિયામક, પ્રો. ડો. પૂ. શ્રુતિપ્રકાશદાસ સ્વામી તથા દ્વિતીય વક્તા તરીકે સ.દાં.કૃ.યુ. ના પ્લાનીંગ ઓફિસર, ડો. એસ. પી. પંડ્યા, અતિથિવિશેષ તરીકે સ.દાં.કૃ.યુ.ના સંશોધન નિયામક ડો. બી. એસ. દેવરા તેમજ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, મહેસાણાના સંતનિર્દેશક પૂ. ઉત્તમપ્રિયદાસ સ્વામી વગેરે મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતાં.
આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાગાન તેમજ દીપપ્રાગટ્યથી થઈ. ત્યારબાદ પૂ.પ્રમુખસ્વામી મહારાજની આયોજનશક્તિ, નિર્ણયશક્તિ તથા દૂરંદેશિતાથી કરેલાં વિવિધ કૃષિલક્ષી કાર્યોની વિવિધ પ્રવૃત્તિઓની સ્મૃતિ વીડિયોના માધ્યમથી કરાવાઈ હતી. સ.દાં.કૃ.યુ. કુલસચિવ ડો. જે. આર. વડોદરીયાએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. સેમિનાર તેમજ ગુજરાતમાં કૃષિ યુનિવર્સિટીના સુવર્ણ જંયતિ મહોત્સવના આયોજન અંગેની પૂર્વ યોજના વિષે માહિતી આપી હતી તેમજ પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય ગુણોની વાત કરી હતી. સંચાલકએ બંને વક્તાઓનો પરિચય આપ્યો હતો.
આમ, સ.દાં.કૃ.યુ. સરદારકૃષિનગર, દાંતીવાડા ખાતે પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ નિમિત્તે સ્વામીશ્રીના દિવ્ય જીવન-કાર્યમાંથી પ્રેરણા આપતા ભવ્ય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં મોટી સંખ્યામાં આમંત્રિતો તેમજ શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે સ.દાં. કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ પર અને બીએપીએસ સંસ્થાની પ્રેરણાસેતુ એપ પર લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સ.દાં. કૃષિ યુનિવર્સિટી, સરદારકૃષિનગરના વરૂણભાઇ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું અને સભાના અંતમાં સ.દાં. કૃષિ યુનિવર્સિટી, સરદારકૃષિનગરના કે. પી. ઠાકરે આભારવિધિ કર્યો હતો.