સસ્તા અનાજના બે વેપારીના માલની ડિપોઝીટ અને યુવાનને ભરડીયાનું લાયસન્સ અપાવી દેવા માટે છેતરપીંડી કરી
અબતક,કરણ બારોટ, જેતપુર
જેતપુર મામલતદાર કચેરીના કરાર આધારીત કર્મચારીએ સસ્તા અનાજના બે વેપારીના માલ ઉપાડવાની ડીપોઝીટ અને યુવાનને ખાણ ખનીજમાંથી ભરડીયાનું લાયસન્સ અપાવી દેવાની લાલચ આપી રૂ. ર1.32 લાખની ઠગાઇ કર્યાની સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જેતપુર તાલુકાના ઉમરાળી ગામે રહેતા અને સસ્તા અનાજના વેપારી ચેતનભાઇ કરશનભાઇ ટીંબડીયા નામના પટેલ યુવકે ઉમરાળી ગામે રહેતો અને જેતપુર મામલતદાર કચેરીમાં કરાર આધારીત ફરજ બજાવતો બકુલ કેશુ પરમાર નામના શખ્સે રૂ. 21.32 લાખની છેતરપીંડી કર્યાની જેતપુર સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
પોલીસ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે મામલતદાર કચેરીના કરાર આધારીત કર્મચારી બકુલ પરમારે સસ્તા અનાજના વેપારી ચેતનભાઇ કરશનભાઇ ટીંબડીયા પાસેથી રૂ. 5.05 લાખ અને મનુભાઇ પાસેથી 11.58 લાખ માલ પેટેની ડીપોઝીટ લઇ નકલી ચલણ પધરાવી તેમજ કમલેશ નરશી ઠુમરને મેવાસા ગામે કાકરીનો ભરડીયાનું લાયસન્સ અપાવી દેવાનું કહી રૂ. 5.46 લાખ મળી રૂ. 21.32 લાખની ઠગાઇ કર્યાનું ખુલતા પોલીસે તેની સામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.