જામનગર શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર અને પૂર્વ વોર્ડ પ્રભારી તેમજ જૈન સમાજના યુવા અગ્રણી પારસભાઈ મકીમે જામનગર શહેર ભાજપની સ્થાનિક નેતાગીરી દ્વારા પક્ષના નિષ્ઠાવાન કાર્યકરોની થઈ રહેલી અવગણના સામે આક્રોશ વ્યક્ત કર્યો છે.એક નિવેદનમાં તેમણે જણાવ્યું છે કે વરસોથી તેઓ પક્ષના તમામ કાર્યક્રમોમાં ભાગ લઈ પક્ષ માટે તન-મન-ધનથી સતત કાર્ય કરતા રહ્યા છે. તેઓની જુના વોર્ડ નં. ૧૩ ના વોર્ડ પ્રભારી તરીકે નિયુક્તિ પણ કરવામાં આવી હતી. તેમજ ર૦૧૬ થી તેઓ શહેર કારોબારીના સભ્ય તરીકે છે. તેમણે મહાનગરપાલિકાની ચૂંટણી સમયે પક્ષમાંથી ઉમેદવારી માટે ટિકિટ માંગી હતી પણ તેમના વોર્ડના વગદાર નેતાની વ્હાલા દવલાની નીતિના કારણે ટિકિટ મળી ન હતી.

તેમણે વધુમાં આક્રોશ વ્યક્ત કરી ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે છેલ્લા એક વરસથી કોઈપણ કારણ વગર તેમની સતત અવગણના કરવામાં આવી રહી છે. કોઈ ગેરશિસ્ત કે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કે અન્ય કોઈ પણ કારણ હોય તો જણાવવા તેમણે શહેર પક્ષ પ્રમુખને જાણ કરી હોવા છતાં તેમના તરફથી પણ કોઈ પ્રતિભાવ મળ્યો નથી. તેમણે ખુલ્લો આક્ષેપ કર્યો છે કે અનેક ગેરકાનૂની કામ કરનારા અને પક્ષ વિરીધો પ્રવૃત્તિ કરનારા કે ગેરશિસ્ત કરનારા આજે ઉચ્ચ હોદ્દા પર બેઠા છે. મારે કોઈ કોન્ટ્રાક્ટ રાખવા નથી કે ખોટા બીલ નથી બનાવવા કે કોઈ મલાઈ ખાવી નથી તો તેમના જેવા ભાજપના કાર્યકર પ્રત્યે આવું વલણ શા માટે દાખવવામાં આવી રહ્યું છે.

તેમણે નિવેદનના અંતમાં જણાવ્યું છે પક્ષને વફાદાર કાર્યકર્તાની જો જરૃર ન હોય તો પાર્ટીમાંથી કાઢી મૂકવા જોઈએ જેથી તેમનો વારંવાર સ્વમાન ભંગ થાય! સોશ્યલ મીડિયામાં તેમણે રજૂ કરેલા નિવેદનની જાણ લેખિતમાં પક્ષ પ્રમુખને પણ  કરી છે. ભાજપના અનેક કાર્યકર્તાઓ અને અગ્રણીઓએ પણ તેમની સાથે પણ સ્થાનિક નેતાગીરી દ્વારા આ પ્રકારની અવગણના થઈ રહી હોવાનો પ્રતિભાવ આપ્યો હતો.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.