સૌરાષ્ટ્રના પ્રભારી જીતેન્દ્ર બધેલ બે દિવસ રાજકોટમાં: ૧૮ વોર્ડ માટે સેન્સ લેવાશે
કોર્પોરેશનની ચૂંટણી માટે ચૂંટણીપંચ દ્રારા તારીખોનું એલાન હવે ગમે ત્યારે થાય તેવી સંભાવના જણાઈ રહી છે. છેલ્લા ૧૫ વર્ષથી શહેરમાં સત્તા વિહોણી કોંગ્રેસ હવે મહાપાલિકાને કબજે કરવા માટે પુરા જોશ સાથે મેદાનમાં ઉતારશે. શહેરના તમામ ૧૮ વોર્ડ માટે ૭૨ ઉમેદવારોની પસંદગી કરવા કોંગ્રેસ દ્વારા પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. પ્રદેશ પ્રભારી જીતેન્દ્ર બંદેલ આજથી બે દિવસ રાજકોટની મુલાકાત પર છે. પંજાના પ્રતીક પર મહાપાલિકાનો ચૂંટણીજંગ લડવા ઇચ્છતા ઉમેદવારોની સેન્સ લેવામાં આવશે અને તેની એક યાદી તૈયાર કરાશે. ત્યારબાદ જ્ઞાતિ-જાતિના સમિકરણોની ચકાસણી કરી ઉમેદવારોના નામ ફાઇનલ કરવામાં આવશે દર વખતે ચૂંટણી જાહેર થયા બાદ કોંગ્રેસ સક્રિય બનતી હોય છે પરંતુ આ વખતે મહાપાલિકાની ચૂંટણી જંગના મહિના પૂર્વે કોંગ્રેસ ખૂબ જ ગંભીર બની જંગ જીતવા મહેનત કરી રહી છે માત્ર ચાર બેઠકો માટે શાસન વિહોણી રહેલી કોંગ્રેસ આ વખતે કોર્પોરેશન ફતે કરવા એડીચોટીનું જોર લગાવશે.
રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણી સંદભે એ.આઈ.સી.સી. ઇન્ચાર્જ અને સૌરાષ્ટ્રના પ્રભારી જીતેન્દ્ર બઘેલ આજે અને આવતીકાલ રાજકોટની મુલાકાતે છે. સંગઠન અને આગામી ચુંટણીની રણનીતિ અને વોર્ડના આગેવાનો, પૂર્વ કોર્પોરેટરો, પૂર્વ હોદેદારો સાથે ચર્ચા વિચારણા કરી ચુંટણી અંગેની પ્રક્રિયા હાથ ધરશે.
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ ડાંગર જણાવ્યું હતું કે, કોર્પોરેશનની આગામી ચુંટણીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા મહાનગરપાલિકાની ચુંટણી જીતવા માટે નવી રણનીતિ તેમજ સંગઠન બાબતે ઓલ ઇંડિયા કોંગ્રેસ કમિટીના ઇન્ચાર્જ અને સૌરાષ્ટ્રના પ્રભારી જીતેન્દ્ર બઘેલ બે દિવસ રાજકોટની મુલાકાતે આવ્યા છે. આજે નાગર બોર્ડીંગ ખાતે શહેરના ૧ થી ૭ વોર્ડના કાર્યકરો, આગેવાનો, કોર્પોરેટરો, હોદેદારો સાથે ગહન ચર્ચા વિચારણા કરશે. તેમજ સાંજે ૪ વાગ્યાથી રાત્રીના ૯ વાગ્યા સુધી ૧ થી ૭ વોર્ડની હાલની પરીસ્થિતિ અને આગામી રણનીતિ નક્કી કરશે. તેમજ આવતીકાલે નાગર બોર્ડીંગ ખાતે સવારે ૧૦ કલાકથી વોર્ડ નંબર ૮ થી ૧૮ના કાર્યકરો, આગેવાનો, કોર્પોરેટરો, હોદેદારો સાથે ગહન ચર્ચા વિચારણા કરશે અને મહારપાલિકાની આવનારી ચુંટણીઓ સંદભે ચુંટણી લડવા માંગતા દાવેદારોના નામની યાદીની પ્રક્રિયા હાથ ધરશે.
ગત ટર્મમાં ચૂંટાયેલા મોટાભાગના નગરસેવકોને કોંગ્રેસ આ વખતે રીપીટ કરે તેવી સંભાવના જણાય રહી છે. જે વ્યક્તિ ચૂંટણી લડવા ઇચ્છુક નહીં હોય તેને સ્વેચ્છિક નિવૃત્તિ આપી દેવામાં આવશે. મહાપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનો રિપીટ થિયરી અપનાવે તેવી શક્યતા ખૂબ જ નહિવત છે. આ વખતે ચૂંટણી જંગ કોંગ્રેસ ગંભીરતાપૂર્વક લડવા ઈચ્છી રહ્યું છે જીતી શકે તેવા જ ઉમેદવારોને ચૂંટણી જંગમાં ઉતારવામાં આવશે.