- દેશ જોડવા નીકળેલી કોંગ્રેસનો એક સાંઘે ત્યાં તેર તૂટે તેવો ઘાટ
- રાજસ્થાનમાં સીએમની ખુરશી માટે કોંગ્રેસની લડાઈ ચરમસીમાએ, નેતાઓ એકબીજાનું પત્તુ કાપવામાં વ્યસ્ત
દેશ જોડવા નીકળેલા કોંગ્રેસનો એક સાંઘેને તેર તૂટે તેવો ઘાટ સર્જાયો છે. એક તરફ રાહુલ ગાંધી ભારત જોડો અભિયાન ચલાવી રહ્યા છે. તો બીજી તરફ રાજસ્થાનમાં સીએમ પદની ખુરશી માટે સર્જાયેલ ધમાસાણ દર્શાવે છે કે કોંગ્રેસીઓ જ કોંગ્રેસને જોડવા દેતા નથી.
કોંગ્રેસ પાર્ટી દેશભરમાં ભારત જોડી યાત્રા કાઢી રહી છે. દરમિયાન કોંગ્રેસમાં પ્રમુખ પદને લઈને ચાલી રહેલી લડાઈ હવે રાજસ્થાનના સીએમની ખુરશી સુધી પહોંચી ગઈ છે. રાજસ્થાનમાં ગેહલોત અને પાયલોટ જૂથ સામસામે આવી ગયા છે. રાજસ્થાનમાં નવા મુખ્યમંત્રીની ચૂંટણી માટે બોલાવવામાં આવેલી કોંગ્રેસ વિધાનસભ્ય દળની બેઠક પહેલા જ મોટો હોબાળો થયો હતો. સચિન પાયલોટને તાજ પહેરાવવાના ઇરાદાને જોતાં, વર્તમાન મુખ્ય પ્રધાન અશોક ગેહલોતની છાવણીના 92 ધારાસભ્યોએ સ્પીકર સીપી જોશીને સામૂહિક રાજીનામું સુપરત કર્યું છે.
સીએમ અશોક ગેહલોત રાષ્ટ્રીય અધ્યક્ષ બનતા પહેલા જ ગેહલોત સમર્થકોએ હાઈકમાન્ડને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. નિરીક્ષક તરીકે જયપુર પહોંચેલા કોંગ્રેસના મહાસચિવ અજય માકન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે રાહ જોતા રહ્યા. બીજી તરફ શહેરી વિકાસ મંત્રી શાંતિ ધારીવાલના સત્તાવાર નિવાસસ્થાને રાજકીય ડ્રામા ચાલુ રહ્યો હતો.
કુલ 92 ધારાસભ્યોએ તેમના રાજીનામા લખીને સ્પીકર સીપી જોશીને સુપરત કર્યા છે. આ ધારાસભ્યોની માંગ હતી કે અશોક ગેહલોતને મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેવા દેવામાં આવે. ભલે તે રાષ્ટ્રીય અધ્યક્ષ બને. ધારાસભ્યોએ કહ્યું કે જેમણે સરકારને તોડી પાડવાનું ષડયંત્ર રચ્યું છે, તેઓએ ભાગવું જોઈએ નહીં. જેમણે સરકારને બચાવી તેમની વાત સાંભળવી જોઈએ.
જો આવું જ ચાલ્યું તો ભાજપને કંઈ પણ કર્યા વગર ફાયદો થશે
કોંગ્રેસની આંતરિક લડાઇ ચરમસીમાએ પહોંચી ગઈ છે. ખુરશી માટે નેતાઓ કાપા કાપી કરી રહ્યા છે. એક તરફ રાહુલ ગાંધી પક્ષ માટે ભારત જોડો યાત્રા ચલાવી રહ્યા છે તો બીજી તરફ હોદા માટે લડાઈ ચાલી રહી છે. જો કે આવું માત્ર અત્યારે નથી થઈ રહ્યું વર્ષોથી થઈ રહ્યું છે. માટે જો આવું જ ચાલ્યું તો ભાજપને કઈ જ કર્યા વગર ફાયદો થશે તે નક્કી થઈ જશે.
કોંગ્રેસને પાછળ રાખીને આપ આગળ નીકળી જશે?
કોંગ્રેસનો આંતરિક વિખવાદ જ તેને નીચે પછાડી રહ્યો છે. તેવામાં આમ આદમી પાર્ટીએ પંજાબના કોંગ્રેસના ગઢને ધ્વસ્ત કરી નાખ્યો હતો. હવે રાષ્ટ્રીય કક્ષાએ કોંગ્રેસ બીજા ક્રમે છે. તેમાં પણ આમ આદમી પાર્ટી કોંગ્રેસની સાઈડ કાપીને બીજા ક્રમે પહોંચી જાય તો નવાઈ નહિ. કારણકે કોંગ્રેસ પોતાનું સંગઠનને મજબૂત કરવામાં અનેક રીતે અસમર્થ સાબિત થઈ રહ્યું છે.
રાજસ્થાનના રાજકારણને શાંત કરવા ગહેલોતને અધ્યક્ષપદની રેસમાંથી બહાર કરાય તેવી શકયતા
રાજસ્થાનમાં વિવાદિત રાજકીય ઘટનાક્રમ બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ મોટો નિર્ણય લઈ શકે છે. તેની શક્યતાઓ વધી રહી છે. અહેવાલ છે કે અશોક ગેહલોત પાર્ટી અધ્યક્ષ પદની રેસમાંથી બહાર થઈ શકે છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓનું કહેવું છે કે હવે મુકુલ વાસનિક, મલ્લિકાર્જુન ખડગે, દિગ્વિજય સિંહ, કેસી વેણુગોપાલ પ્રમુખ પદની રેસમાં છે. સીડબ્લ્યુસીના સભ્ય અને પાર્ટીના એક નેતાએ એમ પણ કહ્યું કે ગેહલોત જે રીતે વર્તે છે તે પાર્ટીના નેતૃત્વ માટે યોગ્ય નથી.
વરિષ્ઠ નેતૃત્વની સમસ્યા વધી છે. રાજસ્થાનમાં ઘટનાક્રમ બાદ પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ દિલ્હીમાં વરિષ્ઠ નેતાઓને બોલાવ્યા છે. આ નેતાઓ સાથે રાજસ્થાનના વિકાસ સહિત પ્રમુખની ચૂંટણી પર ચર્ચા થવાની શક્યતા છે.
રાજસ્થાનમાં પંજાબવાળી થવાની ભીતિથી હાઇકમાન્ડ પણ ગભરાયું
રાજસ્થાનમાં પંજાબવાળી થવાની હોય તેવી ભીતિ પણ એક તબક્કે સર્જાઈ રહ્યું છે. પંજાબમાં ગયા વર્ષે ચૂંટણી પહેલા પાર્ટી દ્વારા કેપ્ટન અમરિંદર સિંહને મુખ્યમંત્રી પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. આ પછી સિદ્ધુ પણ રેસમાં હતા, પરંતુ પાર્ટીએ તેમના બદલે ચરણજીત સિંહ ચન્નીને સીએમ બનાવ્યા. બંને વચ્ચે સતત ઝઘડો થતો હતો અને તેનું પરિણામ વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળ્યું હતું. કોંગ્રેસને માત્ર 18 બેઠકો મળી હતી, જે તેણે 2017માં બહુમતી સાથે જીતી હતી. અને કોંગ્રેસના આંતરિક ઝઘડામાં આમ આદમી પાર્ટી પંજાબમાં ફાવી ગયું. આવી જ રીતે રાજસ્થાનમાં પણ અશોક ગહેલોતને હટાવીને બીજાને સીએમ પદ સોંપવાની હિલચાલ શરૂ થતાં પંજાબના કિસ્સો અત્યારે રાજકારણમાં ફરી તાજો થાય તેવી દહેશત ફેલાઈ છે.
રાજસ્થાનની ઉથલપાથલ ઠીક કરવા કમલનાથને હાઇકમાન્ડે સોંપી જવાબદારી
રાજસ્થાનમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે મધ્ય પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથ દિલ્હી પહોંચી ગયા છે. રાજસ્થાનના વધતા સંકટને જોઈને પાર્ટી હાઈકમાન્ડે કમલનાથને દિલ્હી બોલાવ્યા છે. કોંગ્રેસ પાર્ટીને આશા છે કે અશોક ગેહલોત સાથે કમલનાથના સારા સંબંધોનો ફાયદો પાર્ટીને મળી શકે છે. રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચેના મડાગાંઠને ખતમ કરવાનો માર્ગ શોધવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ પહેલા કોંગ્રેસ પાર્ટીએ વરિષ્ઠ નેતાઓ અજય માકન, મલ્લિકાર્જુન ખડગેને રાજસ્થાન મોકલ્યા હતા. પરંતુ બંને નેતાઓ રાજસ્થાનમાં સ્થિતિ સુધારવામાં નિષ્ફળ સાબિત થયા. હવે સોનિયા ગાંધીના નજીકના સાથી કમલનાથને રાજસ્થાનમાં રાજકીય સંકટ દૂર કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
અશોક ગહેલોતને સીએમ પદ પરથી હટાવવાનું કોંગ્રેસીઓનું જ કાવતરૂ: મંત્રી ધારીવાલ
અશોક ગેહલોત સરકારના મંત્રી શાંતિ ધારીવાલે સચિન પાયલટનું નામ લીધા વગર નિશાન સાધ્યું હતું. આ સિવાય તેમણે કોંગ્રેસ મહાસચિવ અજય માકનનું નામ લીધા વગર તેમના પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે અશોક ગેહલોતને સીએમ પદ પરથી હટાવવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. મંત્રીએ કહ્યું કે પ્રભારી પોતે આવા લોકોને મુખ્યમંત્રી બનાવવાનું મિશન લઈને આવ્યા છે, તેથી સ્વાભાવિક રીતે જ લોકોની લાગણી ભડકાવવાની હતી. મને નારાજ ધારાસભ્યોના ફોન આવ્યા કે અમારી વાત સાંભળો, તમે અહીંના સંસદીય મંત્રી છો. શાંતિલાલ ધારીવાલે સચિન પાયલોટ પર નિશાન સાધતા કહ્યું કે પાયલટે સરકાર વિરુદ્ધ બયાનબાજી કરી હતી. પાયલોટે ગેહલોત સરકારને પછાડવાનો પ્રયાસ કર્યો હતો.