હું કોંગ્રેસમાં દરેક લેવલે મહિલાઓનો અગત્યનો રોલ ઈચ્છુ છું: રાહુલ ગાંધી
લોકસભા અને ધારાસભામાં મહિલાઓને ૩૩ ટકા આરંક્ષણ આપવા સીવાય સરકાર પાસે કોઈ રસ્તો કોંગ્રેસે ન છોડયો હોવાનો દાવો રાહુલ ગાંધીએ કર્યો છે. ઓલ ઈન્ડિયા મહિલા કોંગ્રેસને સંબોધન સમયે તેમણે કહ્યું હતું કે, અમે સરકારને જણાવવા માંગીએ છીએ કે મહિલાઓને આરંક્ષણ આપવું જ પડશે. સરકારને કોંગ્રેસ કોઈ વિકલ્પ આપશે નહીં. અમે વિરોધ પક્ષની જવાબદારી ખૂબજ સારી રીતે નિભાવી રહ્યાં છીએ.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, મહિલાઓ માટે પક્ષમાં મહાકાય ફેરફારો થઈ રહ્યાં છે. હું કોંગ્રેસના દરેક લેવલે મહિલાઓની અગત્યતાને ઈચ્છુ છું. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આ જ તો મોટો ફર્ક છે. મહાત્મા ગાંધીની આસપાસ મહિલાઓ રહેતી હતી. જયારે આરએસએસમાં કોઈ મહિલા જોઈ ન હોવાનો દાવો તેમણે કર્યો હતો.
કોંગ્રેસના આગામી અધ્યક્ષ રાહુલ ગાંધીએ મહિલાઓને લોકસભા અને ધારાસભામાં ૩૩ ટકા અનામત આપવા માટેનું બિલ પારીત કરવાની કટીબધ્ધતા દર્શાવી છે. પરંતુ રાજકીય પક્ષો જ મહિલા ઉમેદવારોને ટિકિટ ન આપતા હોવાથી બન્ને સદનમાં મહિલા શક્તિ ઓછી થતી જોવા મળે છે. ગુજરાત વિધાનસભાની વાત કરીએ તો ભાજપ અને કોંગ્રેસના મહિલા ઉમેદવારો ચૂંટાઈને આવશે તો પણ વિધાનસભામાં મહિલાઓની ટકાવારી માત્ર ૧૦ ટકાની રહેશે.
આ રીતે ચૂંટણીમાં જો મહિલા ઉમેદવાર ઉપર વિશ્ર્વાસ રાખીને રાજકીય પક્ષ ટિકિટ જ ન ફાળવે તો ૩૩ ટકા મહિલા અનામતનો આશય સીધ્ધ થઈ શકે નહીં. માટે ચૂંટણીઓમાં મહિલા ઉમેદવારો પરનો વિશ્વાસ જરૂરી બની જાય છે. જીતી શકે તેવા ઉમેદવારોને ટિકિટ આપવાની લ્હાયમાં ઘણી વખત તાકાતવર મહિલા ઉમેદવારોને નજર અંદાજ કરવામાં આવે છે. જેની સીધી અસર લોકસભા અને વિધાનસભામાં મહિલા પ્રતિનિધિઓની સંખ્યા ઉપર પડતી હોય છે. એકંદરે લોકસભા અને વિધાનસભામાં મહિલાઓનું વર્ચસ્વ રહેતુ નથી.