‘પદ્માવતી’ના વિરોધીઓને તાલિબાન સાથે સરખાવતા ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (એઆઈસીસી)ના પ્રવકતાએ જાણે સૂર બદલ્યો છે. ટુંકમાં ‘પદ્માવતી’ મામલે કોંગ્રેસ પાર્ટીનો ‘હાથીના દાંત’ જેવો ઘાટ થયો છે.
ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રવકતા અજોય કુમારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે, ‘પદ્માવતી’ ફિલ્મની રીલીઝ સામે વિરોધ વ્યકત કરનારા લોકો પ્રોડયુસર-ડાયરેકટર સંજય લીલા ભણસાલી અને અભિનેત્રી દીપિકા પડુકોનનું માથું વાઢી લેવાનું ફરમાન કરી ઈનામની ઘોષણા કરે છે. આ પરિસ્થિતિ ભારતને ‘બીજું તાલિબાન’ બનાવી રહ્યું છે શું ?
અત્યાર સુધી કોંગ્રેસ પણ ‘પદ્માવતી’ મામલે રાજકીય રોટલા શેકવાથી દૂર નથી ત્યારે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના રાષ્ટ્રીય પ્રવકતા અજોય કુમાર ઝારખંડની રાજધાની જમશેદપુરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં સૂર બદલીને નિવેદન કરે છે. અહીં નોધવું ઘટે કે આ પ્રેસ કોન્ફરન્સનો મુદ્દો ‘પદ્માવતી’ ન હોવા છતાં કોઈ અકળ કારણસર જાણે ‘મજબુરન’ તેમણે આવું નિવેદન આપ્યું છે !!!
હકિકતમાં આ નિવેદન ફિલ્મમાં પ્રોડયુસર ડાયરેકટર સંજય લીલા ભણસાલીની તરફેણ કરનારું છે. હવે જોવાનું એ રહે છે કે અજોય કુમારના ‘પદ્માવતી’ના વિરોધીઓ (કરણી સેના તથા અન્ય રાજપૂતાના તેમજ ક્ષત્રિય સંગઠનો)ને ‘તાલિબાની’ સાથે સરખાવનારા નિવેદન સામે કેવાક રાજકીય-બિનરાજકીય પ્રત્યાઘાત પડે છે. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે ગુજરાત સહિત દેશના કેટલાક રાજયોમાં ફિલ્મ ‘પદ્માવતી’ને કેન્દ્રીય ફિલ્મ સેન્સર બોર્ડ પાસ કરીને કોઈ સર્ટીફીકેટ ન આપે તેમજ રીલીઝ કરવા માટે ગ્રીન સીગ્નલ ન આપે, તમામ વાંધા-લવાદ હટી ન જાય ત્યાં સુધી ‘પદ્માવતી’ રીલીઝ કરવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.
ફિલ્મ ‘પદ્માવતી’ ચિતોડગઢના રાજા મહારાવલ રતન સિંહની બહાદુરી અને તેમના પત્ની રાણી પદ્મીની ઉર્ફે પદ્માવતીના જૌહર વિશે છે.
ઈતિહાસ સાથે ચેડા થયા છે તે મુદે કરણી સેના સહિતના રાજપૂત અને ક્ષત્રિય સંગઠનોએ દેશભરમાંથી ફિલ્મનો પ્રચંડ વિરોધ કર્યો. ફિલ્મની રીલીઝ પાછી ઠેલાતા અને વાંધા ન હટે ત્યાં સુધી પ્રતિબંધ લદાતા અત્યારે મામલો અંશત: શાંત પડયો છે પરંતુ અજોય કુમારના નિવેદનમાં શું અસર પડે છે તે જોવાનું રહેશે.