ગુજરાતના નવનિયુક્ત પ્રભારી રઘુ શર્માએ બે દિવસની મુલાકાત દરમિયાન નવા હોદ્દાઓ માટે ધારાસભ્ય પાસેથી નામો લેવાયા

પ્રદેશ પ્રમુખપદે હાર્દિક પટેલ અને વિધાનસભાના વિપક્ષી નેતા માટે પુંજાભાઈ વંશના નામો સૌથી આગળ

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીને આડે હવે એક વર્ષ જેટલો સમયગાળો બાકી રહ્યો છે. ત્યારે છેલ્લા અઢી દાયકાથી રાજ્યમાં સત્તા વિહોણી કોંગ્રેસે ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. રાજસ્થાનના આરોગ્ય મંત્રી રઘુ શર્માને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી બનાવવામાં આવ્યા છે. તેઓએ પ્રભારી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ બે દિવસ ગુજરાતની મુલાકાત લીધી હતી અને રાજ્યની વર્તમાન રાજકીય સ્થિતિનો તાગ મેળવવા માટેનો પ્રયાસ ર્ક્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મળેલી કારમી હારની જવાબદારી સ્વીકારી પ્રદેશ પ્રમુખ પદેથી અમિત ચાવડા અને વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પદેથી પરેશ ધાનાણીએ રાજીનામુ આપી દીધુ છે. તેઓનું રાજીનામુ હજી સ્વીકારવામાં આવ્યું નથી. દરમિયાન દિવાળી સુધીમાં કોંગ્રેસ દ્વારા નવા પ્રદેશ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતાના નામની સત્તાવાર ઘોષણા કરી દેવામાં આવશે.

રાજસ્થાનના આરોગ્ય મંત્રી રઘુ શર્માને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી બનાવવામાં આવ્યા બાદ તેઓએ બે દિવસ ગુજરાતની મુલાકાત લીધી હતી. રાજ્યમાં કોંગ્રેસની વર્તમાન સ્થિતિ જાણવાનો પ્રયાસ ર્ક્યો હતો. ગુજરાતમાં એક બાદ એક ચૂંટણીમાં કોંગ્રેસને ધોબી પછડાટ મળી રહી છે. ફેબ્રુઆરી માસમાં યોજાયેલી મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં કોંગ્રેસનો કળ ન વળે તેવો કારમો પરાજય થયો હતો. તાજેતરમાં યોજાયેલી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ કોંગ્રેસનો પરાજય થયો હતો. બે દિવસની ગુજરાતની મુલાકાત દરમિયાન પ્રભારી રઘુ શર્માએ કોંગ્રેસના ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી અને પ્રદેશ કોંગ્રેસના નવા પ્રમુખ તથા ગુજરાત વિધાનસભાના નવા વિરોધ પક્ષના નેતા કોને બનાવવામાં આવે તો પક્ષને ફાયદો મળે તેમ છે. તેના નામો મેળવ્યા હતા.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ પોતાની નૈતિક જવાબદારી સ્વીકારતા અમિતભાઈ ચાવડાએ પ્રદેશ પ્રમુખ પદેથી અને પરેશભાઈ ધાનાણીએ ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પદેથી રાજીનામુ આપી દીધુ હતું. અનેક જિલ્લા અને શહેરોના પ્રમુખોએ પણ રાજીનામુ આપી દીધા છે. જો કે તેઓના રાજીનામા સ્વીકારવામાં આવ્યા નથી અને હજી તેઓ હોદ્દા પર ચાલુ છે.

વિધાનસભાની ચૂંટણી વહેલા નવું સંગઠન માળખુ રચવું કોંગ્રેસ માટે ખૂબજ મહત્વનું છે. આવામાં નવનિયુક્ત પ્રભારીએ કોંગ્રેસના ધારાસભ્યો પાસેથી પ્રમુખ અને વિધાનસભાના વિરોધ પક્ષના નેતાઓની નિમણૂંક કરવા નામો માંગવામાં આવ્યા હતા. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખપદે હાર્દિક પટેલ અને વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તરીકે હાલ ઉનાના ધારાસભ્ય પુંજાભાઈ વંશની વરણી કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.

નવનિયુક્ત પદાધિકારીઓને વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ માટેનો પુરતો સમય મળી રહે તે માટે કોંગ્રેસ દ્વારા દિવાળી પહેલા જ નવા પ્રદેશ પ્રમુખ અને વિધાનસભાના વિરોધ પક્ષના નેતાના નામની ઘોષણા કરી દેવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.