૨૪ કલાકમાં બેઠક યોજવા અલ્ટીમેટમ, નહીં તો વાતચીતનો અંત લાવવાની પાસની ચિમકી
પાટીદાર અનામત મુદ્દે કોંગ્રેસે આંદોલનકારીઓને અનેક વચનો આપી રીઝવવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ આ વચનો કઈ રીતે પૂર્ણ કરવામાં આવશે તે મોટો પ્રશ્ર્ન છે. ગઈકાલે પાટીદાર અનામત આંદોલન સમીતીના આગેવાનોને દિલ્હી ખાતે ચર્ચા કરવા બોલાવાયા બાદ પાસ અને કોંગ્રેસ વચ્ચે તણખા ઝર્યા છે. કોંગ્રેસને પાસે ૨૪ કલાકનું અલ્ટીમેટમ આપી બેઠક યોજવાની ચેતવણી આપી છે.
પાસ ટીમ વતી દિનેશ બાંભણીયાએ કહ્યું હતું કે, જો કોંગ્રેસ અનામત મુદ્દે સ્પષ્ટતા નહીં કરે તો ચૂંટણીમાં કોંગ્રેસનો પણ પાસ દ્વારા વિરોધ કરવામાં આવશે. કોંગ્રેસના પાટીદાર ઉમેદવારોનો પણ વિરોધ થશે. દિલ્હીના ગુજરાત ભવનમાં અમને બેસાડી રાખવામાં આવ્યા છે. ભરતસિંહ અમારો ફોન પણ ઉપાડતા નથી. દિવસભર ઉમેદવાર પસંદગી અંગે બેઠકોનો દોર ચાલ્યો હોવાથી અનામત મુદ્દે બેઠક મળી નથી.
પાટીદાર અનામત આંદોલન સમીતીના આગેવાનોએ કોંગ્રેસ સાથે દિલ્હી ખાતેની બેઠક મામલે ખૂબજ રોષ વ્યકત કર્યો છે. ૨૪ કલાકમાં બેઠક યોજવામાં નહીં આવે તો વાતચીતનો અંત આવશે તેવી પણ ચિમકી ઉચ્ચારી છે.