માનસિક રીતે હારેલી ઈંગ્લેન્ડ શું સિરીઝ જીતી શકશે?

ટી-20 ચેમ્પિયનશીપનો ખિતાબ હાંસલ કરવા આજે બંને ટીમો મેદાને પડશે

અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહેલી પાંચ સિરીઝ મેચનો આજે અંતિમ મેચ રમાનાર છે. હાલ સિરીઝ 2-2ની બરાબરી પર છે જેથી અંતિમ મેચ જીતવો બંને ટીમો માટે અતિમહત્વપૂર્ણ છે. હાલ એક તરફ ઇંગ્લેન્ડની ટીમ માનસિક રીતે હારી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. જે રીતે અંતિમ મેચમાં ઇંગ્લેન્ડની કારમી હાર થઇ હતી. ઇંગ્લેન્ડના બેટ્સમેનનો દબાણમાં આવીને રમી રહ્યા હતા. જેના કારણે ફક્ત એક જ ઓવરમાં બેન સ્ટોકસ અને મોર્ગન બંનેની વિકેટ પડી ગઈ હતી અને ટીમ ઇંગ્લેન્ડ નિરાધાર બની ગઇ હતી. જેની સામે ભારતીય ક્રિકેટ ટીમ હાલ આત્મવિશ્વાસથી છલોછલ છે. ભારતીય ક્રિકેટ ટીમમાં પીઢ અને યુવા પ્રતિભાવો બન્નેનો સમાવેશ કરાયો છે. જેમાં અગાઉ ઇશાન કિશન, સૂર્ય કુમાર યાદવ, વોશિંગ્ટન સુંદરને તક આપી દેવામાં આવી છે અને આજના મેચમાં ભારત વધુ એક અખતરો કરી રાહુલ તિવેટિયાને રમાડે તેવી પણ શક્યતા છે. આત્મવિશ્વાસથી ભરપૂર યુવા ખેલાડીઓ તેમના ડેબ્યૂ મેચમાં જ અનેક કરતબ કરી ટીમને મેચમાં મજબૂત પકડ અપાવતા હોય તેવું અગાઉના ચાર મેચમાં જોવા મળ્યું છે અને આજના મેચમાં ટીમ ઇન્ડિયાનો અંદાજ કંઈક અલગ જ રહેશે તેવું પણ લાગી રહ્યું છે. હાલના તબક્કે એવું લાગી રહ્યું છે કે, ટીમ ઇન્ડિયા ટોસ હારે કે જીતે પરંતુ બાજી ચોક્કસ મારી જશે.

જો ટીમ ઇન્ડિયા આજે ટોસ જીતશે તો પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કરશે. ઇંગ્લેન્ડ પ્રથમ બેટિંગ કરે તો ઇંગ્લેન્ડને 180+ રન બનાવવા પડે. ટીમ ઇંગ્લેન્ડ પ્રથમ ઓવરથી જ દબાણમાં આવીને મોટા શોર્ટ્સ રમવાની ઉતાવળ કરશે અને ઉતાવાળીયા શોટ્સને કારણે ખૂબ ઝડપે વિકેટ્સ પડે તો પણ નવાઈ નહીં. જ્યારે ભારતીય ટીમ કોઇ પણ દબાણ વિના આજે રમીને ટી-20 ચેમ્પિયનનો ખિતાબ હાંસલ કરે તેવી સંપૂર્ણ શક્યતા છે. અંતિમ મેચમાં ભારત અને ઈંગ્લેન્ડની જીતની ટકાવારી અનુક્રમે 80 અને 20% છે.

દબાણની પરિસ્થિતિમાં ચોથા મેચમાં ઇંગ્લેન્ડ સામેની રોચક જીતથી આત્મવિશ્વાસથી ઓતપ્રોત ભારતીય ટીમ શનિવારે અહીં રમાનાર પાંચમા અને ફાઇનલ ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં શ્રેણી કબજે કરવા મેદાને પડશે.હાલ પાંચ મેચની શૃંખલા 2-2ની બરાબરી પર ચાલી રહી છે. ટીમ ઇન્ડિયા શ્રેણી જીતીને આગામી ટી-20 વર્લ્ડ કપનો વિજયી મંચ તૈયાર કરવા અને તેની તરફ મજબૂત રીતે આગેકૂચ કરવાનું’ લક્ષ્ય રાખે છે. ભારતીય ટીમે આ શ્રેણી દરમિયામ નીડર અને સાહસિક રવૈયો અપનાવ્યો છે. પાંચમા મેચનું પરિણામ જે પણ હોય, પણ વિશ્વ કપની તૈયારી સાચી દીશામાં આગળ વધી રહી છે તેવું કહી શકાય. શ્રેણી દરમિયાન કોહલીની ટીમને ઇશાન કિશન અને સૂર્યકુમાર યાદવના રૂપમાં બે હુકમના એક્કા મળી ગયા છે. જો કે આ શ્રેણીમાં રોહિત અને રાહુલ જેવા અનુભવી ખેલાડીઓના નબળા પ્રદર્શનથી ટીમની ચિંતા જરૂર વધી છે. દુનિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષકોની ગેરહાજરીમાં મેચ શનિવારે સાંજે 7:00 વાગ્યાથી શરૂ થશે.

બીજી તરફ ઇંગ્લેન્ડની ટીમ જે પાછલા ત્રણ વર્ષથી એક પણ ટી-20 શ્રેણી હારી નથી. તે પણ વર્લ્ડ કપને ધ્યાને રાખીને આગળ વધી રહી છે. તેનો ઇરાદો આખરી મેચમાં આક્રમક બેટિંગ અને ઝડપી બોલિંગ આક્રમણથી ટીમ ઇન્ડિયાની ભીંસમાં લેવાનો રહેશે. ઇંગ્લેન્ડના બે ઝડપી બોલર આર્ચર અને વૂડ શાનદાર ફોર્મમાં છે. જે નિર્ણાયક ટી-20 મેચમાં ભારતીય બેટધરો પર ભારે પડી શકે છે. જો કે તેને ક્રિસ જોર્ડન તરફથી પૂરતો સહયોગ મળી રહ્યો નથી. બેટિંગમાં બટલર અને મલાનમાં નિરંતરતાનો અભાવ ઇંગ્લેન્ડ માટે વર્લ્ડ કપ પહેલા રેડ સિગ્નલ જેવો છે.

ભારતીય ટીમની તેના સ્ટાર બેટસમેન રોહિત શર્મા પાસેથી એક સારી ઇનિંગની આશા રહેશે. કેએલ રાહુલને વિશ્રામ મળી શકે છે. તે સતત નિષ્ફળ રહ્યો છે. તેના સ્થાને યુવા ઇશન કિશનની વાપસી શકય છે. ઓલરાઉન્ડરના રૂપમાં હાર્દિકે પાછલા મેચમાં અસરકારક બોલિંગ પ્રદર્શન કર્યું છે, પણ તે હજુ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં જેવો બેટિંગ ફોર્મમાં હતો તેવો આ શ્રેણીમાં હજુ સુધી જોવા મળ્યો નથી. નિર્ણાયક મેચમાં ટીમ મેનેજમેન્ટ અનુભવી શિખર ધવન પર ભરોસો મુકે છે કે નહીં તે પણ જોવું રહ્યું. તે પહેલા મેચ પછીથી ઇલેવનની બહાર છે.

ઇંગ્લેન્ડે અંતિમ ટી-20 શ્રેણી જુલાઇ 2018માં ભારત સામે જ ગુમાવી હતી. આ પછીથી પાછલી 8 સિરીઝમાં ઇંગ્લેન્ડે સાત જીતી છે અને એક ડ્રો રહી છે. ઇંગ્લેન્ડ હવે ભારતને તેની સરજમીં પર ટી-20 માં હાર આપવા માંગે છે. ટીમના કેપ્ટન મોર્ગને કહ્યું છે કે, અમે દબાણભર્યા મેચ રમવા માંગીએ છીએ. જેથી વિશ્વ કપની તૈયારી થઇ શકે. વિદેશી ધરતી પર ટી-20 શ્રેણી જીતવી શાનદાર બની રહેશે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં 18 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમાયા છે. જેમાં બન્ને બળિયા બરાબરી પર છે. ભારત અને ઇંગ્લેન્ડ બન્નેના નામે 9-9 જીત છે. ભારતની ધરતી પર બન્ને વચ્ચે 10 ટી-20 ટક્કર થઇ છે. જેમાં પણ બન્ને 5-5 વિજય સાથે સમતોલ છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.