મંજુરીની રાહમાં ૧૦૦૦થી વધુ પેન્ડીંગ પ્લાન માટેનો માર્ગ મોકળો: ત્રણ જ દિવસમાં મંજુરી મળશે: ઈજનેરોની હડતાલ સમેટાઈ
નવા બાંધકામને શરતી મંજુરી આપવા મામલે સરકાર સહમત થઈ છે. જેની ઓનલાઈન મંજુરી પ્રક્રિયામાં ટેકનીકલ ક્ષતિના કારણે પેન્ડીંગ રહેલા ૧૦૦૦ પ્લાનને મંજુરી મળવાનો માર્ગ મોકળો થયો છે. સરકારની ખાતરીના કારણે છેલ્લા ૪ દિવસથી ચાલતી ઈજનેરોની હડતાલ સમેટાઈ ગઈ છે.
નવા બાંધકામ માટેના પ્લાન પાસ કરવા માટે રાજય સરકારે છેલ્લા ૪ મહિનાથી એટલે કે ૧મે થી ઓનલાઈન પ્લાન સબમીટ કરવાની નવી સિસ્ટમ ફરજીયાત કરી છે. તેની સાથે જ ઓફલાઈન સિસ્ટમ પણ બંધ કરી દેવાઈ હતી.
ઓનલાઈન સિસ્ટમમાં સોફટવેરની સિસ્ટમમાં ખામીના કારણે પ્લાન પાસ નહીં થતા હોવાની ફરિયાદો સાથે રાજયભરના ઈજનેર છેલ્લા ૪ દિવસથી હડતાળ પર હતા ત્યારે મુખ્યપ્રધાન સમક્ષ તમામ એસોસીએશને કરેલી રજુઆતના પગલે હવે સરકારે શરતી બાંધકામ મંજુરી આપવાની સહમતી આપી છે.
જેના પરીણામે છેલ્લા ચાર મહિનાથી રાજયભરના એક હજારથી વધુ મંજુરીની રાહમાં પેન્ડીંગ પ્લાન માટેનો માર્ગ મોકળો થયો છે. આગામી ત્રણ દિવસમાં તમામ પ્લાનને શરતી મંજુરી આપવામાં આવશે તેવી મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ખાતરી આપવામાં આવી હોવાથી આજથી હડતાળ સમેટાઈ છે.
આ અંગે ક્રેડાઈના ગુજરાત ચેપ્ટરના પ્રમુખ પરેશભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે, ઓનલાઈન પ્લાન મંજુરીના સોફટવેરમાં અનેક ખામીઓ હોવાના કારણે એક હજારથી વધુ પ્લાન પેન્ડીંગ છે. આ તમામ હવે આગામી ત્રણ દિવસમાં જે તે શરતોની મંજુરીની સાથે પાસ કરી દેવામાં આવશે ત્યારબાદ અરજદારે ટુંક સમયમાં કવેરીની પૂર્તતા કરવાની રહેશે.
રાજયભરના એન્જિનિયર છેલ્લા ચાર દિવસની હડતાળ પર હતા. તેમની માગ હતી કે ઓફલાઈન સિસ્ટમ અથવા તો બીજી કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા શરૂ કરવામાં આવે. બિલ્ડર એસોસીએશન, ગાહેડ, ક્રેડાઈ દ્વારા મુખ્યપ્રધાન સુધી આ બાબતે રજુઆત કરાઈ હતી પરંતુ હવે સરકારની આખરી જાહેરાત મુજબ બાંધકામ પરવાનગીમાં સામાન્ય કવેરી હશે તો તે દુર કરવાની શરતે પરવાનગી આપવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત રાજયની તમામ મહાનગરપાલિકા અને સતામંડળમાં બાંધકામ પરવાનગી ઓનલાઈન છે. હવે સામાન્ય કવેરી હશે તો બાંધકામની મંજુરી આપવામાં આવશે અને તેવા કિસ્સામાં સમયમર્યાદાની અંદર જે તે બિલ્ડર-ડેવલપરે શરતોને આધીન જે પણ કવેરી હશે તે પુરી કરવાની રહેશે નહીં તો છેલ્લે તેમનો પ્લાન પાસ થયેલો ગણાશે.