ગ્રામજનો અને રાજકીય આગેવાનોનો નિર્ણય: ત્રણ દિવસમાં રોડ નહીં થાય તો કચેરીને ઘેરા બંધી કરશે
જેતલસર ગામમાંથી પસાર થતા જંક્શન રોડ અને મંડલીકપુર રોડ બનાવવા પ્રશ્ને તંત્ર કાયમ લોકોને ઉઠા ભણાવતું હોવાથી આજે રોષે ભરાયેલા લોકોએ જેતલસરના પાંચ નાલાની ચોકડીએ ધોમધખતા તડકામાં રોડ પર પલાંઠી વાળીને ચક્કાજામ કાર્યક્રમ યોજ્યો હતો.રોડ પ્રશ્ને વિજયભાઈ વાળા સહિતના આગેવાનોએ કહ્યું કે આ બંને રોડ હાલ જર્જરિત બની ગયા છે. આ બંને રોડ બનાવવાની મંજૂરી પણ મળી ગઈ છે. છતાં તંત્ર આળસ કરે છે પરિણામે રોડ પરના ખાડા તારવવામાં ઘણી વખત અકસ્માતો બને છે. એ સિવાય આ બંને રોડ પર મોટાભાગના ખેડૂતોના ખેતર આવેલા હોવાથી બળદગાડા ચલાવવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે.તે ઉપરાંત રાત્રીના અજાણ્યા વાહન ચાલકો રીતસરના ખાડામાં ગબડી પડે છે. આજે રોડ પર ચક્કાજામનો કાર્યક્રમ કરનાર આગેવાનોએ જેતપુરના સંબંધિત આર.એન્ડ બી.ના સત્તાધીશોને રજુઆત કરતા સત્તાધીશોએ કહ્યું કે રોડ બનાવી દેશું. પણ ક્યારે આ બંને રોડ બનશે તે હજુ લટકતો પ્રશ્ન હોવાની ખેડૂતોની ફરિયાદ છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે, આ બંને ગામના રોડમાં એટલા ખાડા પડી ગયા છે કે, રાત્રીના ફરજીયાત વાહનો ધીમા ચલાવવા પડે છે જેનો અમુક લૂંટારુ તત્વો ગેરલાભ લેતા હોવાની પણ અમુક ઘટનાઓ ભૂતકાળમાં બની ગઈ છે. ત્યારે સંબંધિત તંત્ર આ બાબતે તાકીદે નિર્ણય લઈને જેતલસર જંક્શન અને મંડલીકપુર રોડને મરામત કરી વાહનચાલકોની સમસ્યા હલ કરે તે જરૂરી છે .
3 દિવસમાં રોડ બનાવવાનું ચાલુ કરાશે
જેતપુર સ્થિત આર એન્ડ બી.ના કાર્યપાલક ઈજનેર વત્સલ પટેલે જેતલસર ગામના સરપંચ સહિતના ખેડૂતોને કહ્યું હતું કે ત્રણ દિવસમાં બંને રોડ બનાવવાનું ચાલુ કરી દેવાશે. આવી ખાતરી મળતા ખેડૂતોએ ચક્કાજામ કાર્યક્રમ આટોપી લીધો હતો.
રાજકીય આગેવાનોની સુચના મુજબ ત્રણ દિવસ બાદ કચેરીને ઘેરાવ કરાશે
જેતલસર ગામના આગેવાનો દિલીપ દેવશીભાઇ ભુવા વિગેરેએ કહ્યું હતું કે ત્રણ દિવસ ગામના ખેડૂતો રાહ જોશે. જો રોડ બનાવવાનની કામગીરી હાથ નહિ ધરાય તો ચોથા દિવસે એટલેકે ગુરુવારે જેતપુર ખાતે સંબંધિત સરકારી કચેરીનો ઘેરાવ કરાશે.